18 July, 2023 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરમાં આયોજિત બેઠકમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, લાલુ પ્રસાદ યાદવ, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, તામિલનાડુના સીએમ એમ. કે. સ્ટાલિન, પંજાબના સીએમ ભગવંત માન તથા તેજસ્વી, અખિલેશ યાદવ, મેહબૂબા મુફ્તી અને અન્ય નેતાઓ.
બૅન્ગલોર : ૨૦૨૪ની લોકસભામાં બીજેપીને હરાવવા માટે એકતા જરૂરી છે. એ વાત સ્વિકારીને ૨૬ પક્ષોએ ગઈ કાલે ચૂંટણી લડવા માટેની રણનીતી તૈયાર કરવાની ચર્ચાનો આરંભ કર્યો હતો. કૉન્ગ્રેસ, તૃણમૂલ કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત બીજેપી વિરોધી દળના નવા ગઠબંધનનું નવું નામ આપવામાં આવી શકે છે. નવા નામની ઘોષણા આજે બૅન્ગલોરમાં વિપક્ષની બેઠક દરમ્યાન આપવામાં આવશે.
કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે કહ્યું કે જે શાસન સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે અને જેણે લોકોને ખોટાં વચન આપીને છેતર્યા છે એને સમય આવતાં લોકો પાઠ ભણાવશે. ૨૬ વિપક્ષો એક થઈને આગળ વધશે અને લોકોની સમસ્યા ઉકેલશે. આ અમારી બીજી બેઠક છે. આ બેઠકમાં રણનીતિ નક્કી કરવામાં આવશે. સંસદનું ચામાસુ સત્ર ૨૦ જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. વિપક્ષ એ માટે પણ રણનીતિ તૈયાર કરશે, જે એક ગેમચેન્જર સાબિત થશે. બૅન્ગલોરના રેસકોર્સ રોડ પર વિવિધ વિપક્ષી પાર્ટીના નેતાઓને આવકારતાં મોટાં પોસ્ટર પણ લગાડવામાં
આવ્યાં છે. આ બેઠક તાજ વેસ્ટ એન્ડ હોટેલમાં મળશે.