મણિપુરમાં હિ‍ંસાગ્રસ્ત વિસ્તારમાંથી ૨૩,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા

08 May, 2023 11:47 AM IST  |  Manipur | Gujarati Mid-day Correspondent

મણિપુરમાં હિંસા ડામવા માટે બોલાવાયેલ ભારતીય લશ્કર અને આસામ રાઇફલ્સે અત્યાર સુધીમાં ૨૩,૦૦૦ નાગરિકોને બચાવીને સુર​ક્ષિત રીતે ઑપરેટિંગ બેઝ પર ખસેડ્યા હોવાનું લશ્કર દ્વારા ગઈ કાલે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું હતું.

મણિપુરમાં આર્મી અને આસામ રાઇફલ્સના જવાનોએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. પી.ટી.આઇ.

ઇમ્ફાલ (એ.એન.આઇ.) ઃ મણિપુરમાં હિંસા ડામવા માટે બોલાવાયેલ ભારતીય લશ્કર અને આસામ રાઇફલ્સે અત્યાર સુધીમાં ૨૩,૦૦૦ નાગરિકોને બચાવીને સુર​ક્ષિત રીતે ઑપરેટિંગ બેઝ પર ખસેડ્યા હોવાનું લશ્કર દ્વારા ગઈ કાલે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું હતું. આ નિવેદનમાં જણાવાયા મુજબ આર્મી અને આસામ રાઇફલ્સની ૧૨૦-૧૨૫ કૉલમ છેલ્લા ૯૬ કલાકથી રાહતકાર્યમાં જોડાયા બાદથી હિંસાની કોઈ મોટી ઘટના નોંધાઈ ન હોવાથી કરફ્યુના કલાકો ઘટાડવામાં આવ્યા હતા, જે મુજબ ચુરાચંદપુરમાં હાલમાં સવારે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધીના સમય માટે કરફ્યુમાં છૂટછાટ આપવામાં આવી હતી તથા ત્યાર બાદ તરત જ સુરક્ષા દળો દ્વારા ફ્લૅગ માર્ચ કરવામાં આવી હતી. 
અત્યાર સુધીમાં કુલ ૨૩,૦૦૦ નાગરિકોને બચાવીને સુર​ક્ષિત રીતે ઑપરેટિંગ બેઝ કે મિલિટરી પોસ્ટ પર ખસેડવામાં આવ્યા હતા. અગાઉ ત્રીજી મેએ ગેરકાયદે વસાહતીઓના વિરોધને કારણે જંગલોનું રક્ષણ કરવાનાં પગલાં પર તણાવ તથા મેઇટીને અનુસૂચિત જાતિમાં સામેલ કરવાના હાઈ કોર્ટના નિર્ણયને કારણે જિલ્લા વહીવટી તંત્રએ મણિપુરસ્થિત હિંસાગ્રસ્ત ચુરાચંદપુરમાં સંપૂર્ણ કરફ્યુ લાગુ કર્યો હતો.  
પ્રાપ્ત નિવેદન મુજબ છેલ્લા ૨૪ કલાકમાં લશ્કરે એરિયલ સર્વેલન્સ, યુએવીની હિલચાલ અને ઇમ્ફાલ ખીણમાં આર્મી હેલિકૉપ્ટર તહેનાત કરીને દેખરેખના પ્રયાસમાં નોંધનીય વધારો કર્યો છે.

મહારાષ્ટ્રના સ્ટુડન્ટ્સને લાવવા ફ્લાઇટની વ્યવસ્થા કરાશે ઃ શિંદે

મુંબઈ (પી.ટી.આઇ.) ઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે જણાવ્યું હતું કે રમખાણગ્રસ્ત મણિપુરમાં ફસાયેલા સ્ટુડન્ટ્સને આસામ ખાતે ખસેડવામાં આવશે તથા ત્યાર બાદ તેમને મહારાષ્ટ્રમાં પાછા લાવવા માટે વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે તથા લગભગ ૫૪ લોકોનું મૃત્યુ થયું છે.  
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ મણિપુરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જ્યાં મહારાષ્ટ્રના કુલ બાવીસ સ્ટુડન્ટ્સ છે. એકનાથ શિંદેએ તેમાંના બે સ્ટુડન્ટ વિકાસ શર્મા અને તુષાર અવ્હાડ સાથે વાત કરી તેમને પાછા લાવવા 
વિશેષ ફ્લાઇટનો બંદોબસ્ત કરવાની ખાતરી આપી છે. મણિપુરસ્થિત ટેક્નૉલૉજી ઇન્સ્ટિટ્યૂટમાં આ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે. 

national news manipur