midday

ડીબી સ્ટૉક બ્રોકિંગ દ્વારા ૨૩,૦૦૦ ગ્રાહકો સાથે આશરે ૭૦૦૦ કરોડ રૂપિયાનો ફ્રૉડ?

26 August, 2024 07:45 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

આસામની ગુવાહાટી બ્રાન્ચના ડિરેક્ટર દીપાંકર બર્મન ફરાર : પોલીસે તેની પ્રેમિકાને અટકમાં લીધી : તેના પિતાની રોકાણકારોએ ધુલાઈ કરી દીધી
કંપનીના ડિરેક્ટર દીપાંકર બર્મન.

કંપનીના ડિરેક્ટર દીપાંકર બર્મન.

આસામના ગુવાહાટીમાં ડીબી સ્ટૉક બ્રોકિંગ ઇન્વેસ્ટમેન્ટ કંપની દ્વારા આશરે ૨૩,૦૦૦ ગ્રાહકો સાથે ૭૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં પોલીસે એક મહિલાને તાબામાં લીધી છે. ગુવાહાટી, નલબારી, રંગિયા, હૈદરાબાદ, બૅન્ગલોર અને મુંબઈમાં આ કંપનીની ઑફિસો છે. એક ઑફિસ ઑસ્ટ્રેલિયામાં પણ છે. આ કંપનીની ગુવાહાટી બ્રાન્ચમાં જ રોકાણકારો સાથે ફ્રૉડ થયો હોવાનું કહેવાય છે. આસામમાં પાનબજાર પોલીસે કંપનીના ડિરેક્ટર દીપાંકર બર્મનની પ્રેમિકા મોનાલિસા દાસને અટકમાં લીધી છે. કંપનીની તમામ ઑફિસો છેલ્લા કેટલાક દિવસથી બંધ થઈ જતાં રોકાણકારોમાં ગભરાટનો માહોલ છે અને તેમનાં નાણાં પાછાં મળશે કે નહીં એની ચિંતા છે.

એવું મનાઈ રહ્યું છે કે બર્મન ભારતની બહાર ભાગી છૂટ્યો છે. કહેવાય છે કે આ કંપની ઇન્વેસ્ટમેન્ટ માટેની પૉપ્યુલર ઑનલાઇન ઍપ એન્જલ-વન દ્વારા લોકોનાં નાણાં શૅરબજારમાં ઇન્વેસ્ટ કરતી હતી. ૨૦૧૮માં આ કંપનીની સ્થાપના થઈ હતી અને એમાં રોકાણકારોને એક વર્ષમાં ૧૨૦ ટકા, છ મહિનામાં ૫૪ ટકા, ત્રણ મહિનામાં ૨૭ ટકા અને એક મહિનામાં ૮ ટકા રિટર્નની ગૅરન્ટી આપવામાં આવતી હતી.

રોકાણકારોના જણાવ્યા મુજબ ૨૦૨૨ સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. જોકે એ પછી રોકાણ પર જે ફાયદો આપવામાં આવતો હતો એ મળવામાં ધાંધિયા થવા લાગ્યા હતા. આ સંદર્ભમાં દીપાંકર બર્મને એક વિડિયો-મેસેજ કરીને સપ્ટેમ્બર મહિનાથી બધું બરાબર થશે એવી ખાતરી આપી હતી અને કહ્યું હતું કે ઇન્વેસ્ટરોના કૉલના જવાબ આપવા માટે વધારે કર્મચારીઓને રાખવામાં આવશે.

રોકાણકારો ગુવાહાટીમાં દીપાંકર બર્મનના ઘરની સામે એકઠા થયા હતા અને તેના પિતાને માર માર્યો હોવાની જાણકારી મળી છે. પોલીસે આ કેસમાં રોકાણકારોને ફરિયાદ નોંધાવવા 
જણાવ્યું છે. 

assam national news india cyber crime guwahati