Kerala:મલપ્પુરમમાં મોટી દુર્ઘટના, હાઉસબોટ ડૂબવાથી 21 લોકોના મોત  

08 May, 2023 08:47 AM IST  |  kerala | Gujarati Mid-day Online Correspondent

કેરળ (Kerala)ના મલપ્પુરમ જિલ્લાના તનૂર વિસ્તારમાં થૂવલથીરમ સમુદ્ર તટ પાસે રવિવાર સાંજે એક હાઉસબોટ પલટી મારી હતી. આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે.

પ્રતીકાત્મક તસવીર

કેરળ (Kerala)ના મલપ્પુરમ જિલ્લાના તનૂર વિસ્તારમાં થૂવલથીરમ સમુદ્ર તટ પાસે રવિવાર સાંજે એક હાઉસબોટ પલટી મારી હતી. આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં 40 લોકો સવાર હતાં. બચાવ કામગીરી શરૂ છે. ક્ષેત્રિય અગ્નિશમન અધિકારી શિજુ કેકેએ જણાવ્યું કે અત્યાર સુધીમાં અમને 21 લોકોના મૃતદેહ મળ્યા છે. અમે તપાસ કરી રહ્યાં છીએ કે હજી અંદર કેટલા લોકો ફસાયા છે. 

રાજ્ય સરકારે એક નિવેદનમાં કહ્યું કે દુર્ઘટના બાદ સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જએ સ્થિતિનો તાગ મેળવવા માટે આપાત બેઠક બોલાવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું તે જૉર્જે નિર્દેશ આપ્યો છે કે ઘાયલો માટે વિશેષ સારવારની વ્યવસ્થા કરવામાં આવે અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવે, જેથી મૃતકોના પરિવારને જલદી મૃતદેહ સોંપી શકાય. આ સાથે જ કહ્યું કે ત્રિશૂર અને કોઝીકોડ જેવા જિલ્લામાંથી ડૉક્ટર સહિતના કર્મચારીઓને બોલાવીને તિરૂર થિરુરંગડી, પેરિંથલમન્ના હોસ્પિટલો અને મનચેરી મેડિકલ કૉલેજમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવે. 

પર્યટન મંત્રી પીએ મોહમ્મદ રિયાસ સાથે બચાવ કાર્યનું સંકલન કરી રહેલા કેરળના રમતગમત મંત્રી વી અબ્દુરહીમાને જણાવ્યું કે હોડીની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવેલી હોસ્પિટલોમાંથી મળેલી માહિતીના આધારે 20 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા જેઓ શાળાની રજાઓમાં બહાર ફરવા આવ્યા હતા. આ ઘટના રવિવારે સાંજે 7 વાગ્યે મલપ્પુરમના ઓટ્ટુમપુરમના થુવલાથીરમમાં બની હતી. અબ્દુરહીમાને જણાવ્યું કે ચાર લોકોને ગંભીર હાલતમાં કોટ્ટક્કલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 20 મૃતદેહોમાંથી 15ની ઓળખ થઈ ગઈ છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે બોટને કિનારે લાવવામાં આવી રહી છે. બોટની અંદરથી વધુ મૃતદેહો મળી આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ધ કેરલા સ્ટોરી ફિલ્મનો વિવાદ વકર્યો, શશિ થરૂરે કહ્યું આ અમારા કેરળની સ્ટોરી નથી

તેમાં 40-50 લોકો સવાર હતા
ઘટના બાદ તરીને સલામત સ્થળે પહોંચેલા એક યુવકે જણાવ્યું કે હાઉસબોટમાં ઓછામાં ઓછા 40-50 લોકો સવાર હતા. પોતાને શફીક ગણાવનાર વ્યક્તિએ જણાવ્યું કે બોટ ડબલ ડેકર હતી. તેમના કહેવા મુજબ બે દરવાજા હતા પરંતુ બોટ પલટી જતાં અંદરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.

હાઉસબોટ હેઠળ વધુ પીડિતો ફસાયા છે
વધુ પીડિતો હાઉસબોટની નીચે ફસાયેલા છે અને તેમને બહાર લાવવામાં આવી રહ્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. બોટ પલટી ગઈ હતી. અકસ્માતના કારણો હજુ જાણવા મળ્યા નથી. પોલીસ તેની તપાસ કરશે.

 

national news kerala