તેલંગણમાં ઍર ફોર્સનું ટ્રેઇનર ઍરક્રાફ્ટ ક્રૅશ થતાં બે પાઇલટ્સનાં મોત , તપાસનો આદેશ

05 December, 2023 10:19 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.હૈદરાબાદ ખાતે ઍર ફોર્સ ઍકૅડેમીમાંથી આ ઍરક્રાફ્ટે ઉડાન ભરી હતી, જેના પછી આ દુર્ઘટના થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : તેલંગણના મેડક જિલ્લામાં ગઈ કાલે એક ટ્રેઇનર ઍરક્રાફ્ટ તૂટી પડતાં ઇન્ડિયન ઍર ફોર્સના બે પાઇલટ્સનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.હૈદરાબાદ ખાતે ઍર ફોર્સ ઍકૅડેમીમાંથી આ ઍરક્રાફ્ટે ઉડાન ભરી હતી, જેના પછી આ દુર્ઘટના થઈ હતી. આ ઍરક્રાફ્ટ ક્રૅશ થયું ત્યારે એક ટ્રેઇનર અને એક ટ્રેઇની પાઇલટ બન્ને એમાં સવાર હતા. બન્ને પાઇલટ્સનાં મૃત્યુ થયાં હતાં.ઇન્ડિયન ઍર ફોર્સે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે ‘એક પિલાટસ પીસી 7 એમકે II ઍરક્રાફ્ટનો ગઈ કાલે સવારે ટ્રેઇનિંગના હેતુસરની એક રૂટિન ફ્લાઇટ દરમ્યાન ઍક્સિડન્ટ થયો હતો.’પિલાટસ પીસી 7 એમકે II ઍરક્રાફ્ટ એક સિંગલ-એન્જિન ઍરક્રાફ્ટ છે, જેમાં ઇન્ડિયન ઍર ફોર્સના પાઇલટ્સ બેઝિક ટ્રેઇનિંગ મેળવે છે.  સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આ પાઇલટ્સના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે ‘હૈદરાબાદની પાસે થયેલી આ દુર્ઘટનાથી દુખી છું. બે પાઇલટ્સે પોતાના જીવ ગુમાવ્યા છે એ અત્યંત દુખદ વાત છે. દુઃખની આ પળે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ.’ છેલ્લા આઠ મહિનામાં ઍર ફોર્સની આ ત્રીજી પ્લેન દુર્ઘટના છે. આ પહેલાં જૂનમાં એક ટ્રેઇની ઍરક્રાફ્ટ કિરણ ક્રૅશ થયું હતું. મે મહિનામાં મિગ-21 ઍરક્રાફ્ટ ક્રૅશ થવાના લીધે ત્રણ પાઇલટ્સનાં મૃત્યુ થયાં હતાં. 

indian air force telangana hyderabad national news