01 January, 2023 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ (પી.ટી.આઇ.) : વીતેલું વર્ષ ઘણું સફળ રહ્યું હોવાનું જણાવતાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે ગઈ કાલે કહ્યું હતું કે વીતેલા વર્ષમાં ૪૨ વિદેશીઓ સહિત કુલ ૧૭૨ આતંકવાદીઓ ઠાર મરાયા હતા અને ૧૫૯ આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી.
કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘ઝીરો ટેરરિસ્ટ’ ટાર્ગેટ હાંસલ કરવાની દિશામાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનાં પગલાં સાચી દિશામાં છે, એમ જણાવતાં વર્ષાન્તે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૨૨માં પાકિસ્તાન દ્વારા તૈયાર કરાયેલી ૧૪૬ ટેરર મૉડ્યુલ ઉઘાડી પાડવામાં આવી હતી. ચારથી પાંચ સભ્યોની બનેલી આ ટેરર મૉડ્યુલને પસંદગીના તેમ જ લક્ષિત ટાર્ગેટને મારવાના કે ગ્રેનેડ અને આઇઈડી હુમલા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વીતેલા વર્ષમાં સૌથી ઓછા માત્ર ૧૦૦ યુવાનો આતંકવાદી સંગઠનોમાં જોડાયા હતા.
આતંકવાદી હુમલામાં ત્રણ કાશ્મીરી પંડિત સહિત ૨૧ લોકો માર્યા ગયા
જમ્મુ-કાશ્મીર પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે વીતેલા વર્ષ દરમ્યાન અહીં આતંકવાદી હુમલામાં ૨૧ સ્થાનિકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૧૭૨ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા ૨૧ સ્થાનિકોમાં ત્રણ કાશ્મીરી પંડિત સહિત ૬ હિન્દુઓ અને ૧૫ મુસ્લિમો છે. કાશ્મીરી પંડિતોને સતત હુમલાની ધમકી આપવામાં આવી રહી છે. જેના લીધે તેઓ સુરિક્ષત સ્થળે ટ્રાન્સફરની માગણી પણ કરી રહ્યા છે.