25 February, 2023 12:14 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે રાત્રે મધ્ય પ્રદેશ (Madhy Pradesh Accident)ના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખારા ગામમાં એક માર્ગ અકસ્માતમાં 17 મુસાફરોના મોત થયા હતા અને 50 ઘાયલ થયા હતા. જેમાંથી 10ની હાલત નાજુક છે. મૃતકોમાંથી આઠના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે બાકીના હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. ટ્રકનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે પાછળથી પાર્ક કરેલી ત્રણ બસોને ટક્કર મારી હતી. અત્યાર સુધીમાં માત્ર નવ મૃતકોની ઓળખ થઈ શકી છે.
નોંધનીય છે કે આ બસો સતનામાં આયોજિત કોલ સમાજના મહાકુંભમાં હાજરી આપીને સીધી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ શિવરાજ સિંહે પણ ભાગ લીધો હતો. સીએમ શિવરાજ સિધીમાં હતા, માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.
ટ્રક સિમેન્ટથી ભરેલી હતી, અથડામણ બાદ પલટી ગઈ હતી
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના મોહનિયા ટનલથી થોડે દૂર રાત્રે 9 વાગે થઈ હતી. અહીં એક ઝડપભેર ટ્રકે ત્રણ બસને ટક્કર મારી હતી. બે બસ 10 ફૂટ ઉંડી ખીણમાં પડી હતી. ત્યાં હાઈવે પર જ એક બસ પલટી ગઈ. ટ્રક સિમેન્ટથી ભરેલી હતી, ટક્કર બાદ પલટી ગઈ હતી.