13 November, 2024 11:32 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં વેપારીઓને ખંડણી માટે વિવિધ ગૅન્ગ ફોન કરી રહી છે અને ઑક્ટોબર મહિના સુધીમાં ૩૦૦ દિવસમાં આશરે ૧૬૦ કૉલ આવ્યા છે. આમ દર બીજા દિવસે એક ખંડણીનો ફોન આવી રહ્યો છે. મોટા ભાગના ફોન ઇન્ટરનૅશનલ નંબરો અને વૉઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકૉલ (VOIP) દ્વારા કરવામાં આવી રહ્યા છે.
કોને ફોન આવે છે?
મોટા ભાગના ફોન બિલ્ડરો, પ્રૉપર્ટી-ડીલરો, જ્વેલર્સ, મીઠાઈની દુકાનના માલિકો અને કારના શોરૂમના માલિકોને કરવામાં આવ્યા છે. ઘણા કેસમાં જેમને ફોન કરવામાં આવે છે તેના ઘરની બહાર ગોળીબાર કરવામાં આવે છે. આવા સાત કેસ ગયા ચાર દિવસમાં નોંધાયા છે. પાંચમી નવેમ્બરે રોહિણીમાં ત્રણ માણસો એક શોરૂમમાં ઘૂસી ગયા હતા અને હવામાં ગોળીબાર કર્યો હતો. તેમણે ખંડણી આપવા ચિઠ્ઠી આપી હતી. ખંડણીની ચિઠ્ઠીમાં લખ્યું હતું કે યોગેશ દહિયા, ફજ્જે ભાઈ અને મોન્ટિ માન અને ૧૦ કરોડ રૂપિયા.
જિમ-માલિકને ફોન
સાત નવેમ્બરે નાંગલોઈના જિમ માલિકને ઇન્ટરનૅશનલ નંબર પરથી ૭ કરોડ રૂપિયાની ખંડણી ચૂકવવાનો ફોન આવ્યો હતો. ફોન કરનારે દાવો કર્યો હતો કે તે જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને દીપક બૉક્સરનો સાથી છે.
વિશેષ ટીમો તૈયાર
સાત કેસમાં પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે અને ગુનેગારોને પકડવા માટે સ્પેશ્યલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. ૧૫ ઑગસ્ટ સુધીમાં દિલ્હીમાં ખંડણીના ૧૩૩ કેસ નોંધાયા છે. ૨૦૨૩માં આ સમયગાળામાં ૧૪૧ અને ૨૦૨૨માં ૧૧૦ કેસ નોંધાયા હતા. ૨૦૨૩માં ખંડણીના ૨૦૪ ફોન અને ૨૦૨૨માં ૧૮૭ ફોન આવ્યા હતા.
૧૧ ગૅન્ગ સામેલ
આ સંદર્ભે તપાસ કરી રહેલા એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે મોટા ભાગના ફોન બનાવટી સિમ-કાર્ડ દ્વારા VOIP કે વૉટ્સઍપ દ્વારા કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં ગયા થોડા મહિનામાં ખંડણીના ફોન, ગોળીબાર અને હત્યાના કેસમાં આશરે ૧૧ ગૅન્ગ સામેલ છે. એમાં લૉરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર, હિમાંશુ ભાઉ, કપિલ સાંગવાન ઉર્ફે નંદુ, જિતેન્દર ગોગી-સંપત નેહરા, હાશિમ બાબા, સુનીલ ટિલ્લુ, કૌશલ ચૌધરી, નીરજ ફરીદપુરિયા અને નીરજ બવાનાનો સમાવેશ છે.