23 January, 2025 01:28 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પટૌડી પરિવારની સંપત્તિ
મધ્ય પ્રદેશના ભોપાલમાં આવેલી પટૌડી પરિવારની આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પર સરકાર કબજો લઈ શકે એમ છે. મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે ૨૦૧૫થી આ ઐતિહાસિક પ્રૉપર્ટી પરનો સ્ટે હટાવી લીધો છે અને તેથી સરકાર એનિમી પ્રૉપર્ટી ઍક્ટ, 1968 હેઠળ એને તાબામાં લઈ શકે છે.
૨૦૧૫માં મધ્ય પ્રદેશ સરકારે ભોપાલના નવાબની ખાલી પડેલી સંપત્તિને એનિમી પ્રૉપર્ટી માનીને એનું અધિગ્રહણ કરવાની નોટિસ આપી હતી. આ સંપત્તિના વર્તમાન માલિક પટૌડી ખાનદાનના વારસદાર, નવાબની દીકરી સાજિદાના પૌત્ર સૈફ અલી ખાન અને તેનો પરિવાર છે. સૈફ અલી ખાને સરકારની આ નોટિસને હાઈ કોર્ટમાં પડકારી હતી. સૈફ અલી ખાને દાવો કર્યો હતો કે આ એનિમી પ્રૉપર્ટી નથી, એના પર અમારો અધિકાર છે. ૨૦૧૫થી મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં એના પર સુનાવણી થઈ રહી હતી.
૨૦૨૪માં ૧૩ ડિસેમ્બરે ચુકાદો આપતાં મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના જસ્ટિસ વિવેક અગ્રવાલે સૈફ અલી ખાનના દાવાને નકારી દીધો હતો. આ સંપત્તિ બાબતે ચુકાદો આપતાં જસ્ટિસ વિવેક અગરવાલે કહ્યું હતું કે સુધારિત એનિમી પ્રૉપર્ટી ઍક્ટ, 2017માં આ વિવાદનો ઉકેલ અપાયો છે. મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે પાકિસ્તાન ગયેલી નવાબની મોટી દીકરી આબિદા સુલતાનના મુદ્દે ફોકસ કરીને કહ્યું હતું કે આ એનિમી પ્રૉપર્ટી છે.
કોર્ટે સરકારને અધિકાર આપ્યો કે તેઓ આ સંપત્તિનું અધિગ્રહણ કરી શકે છે. આ ચુકાદાને સૈફ અલી ખાન પરિવાર ૩૦ દિવસમાં પડકારી શકે છે. ૧૩ જાન્યુઆરી સુધીની મુદત પૂરી થયા બાદ પણ સૈફ અલી ખાને કોર્ટના ચુકાદાને પડકાર્યો નથી તેથી સરકાર પાસે સ્વતંત્રતા છે કે તેઓ આ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પર અધિગ્રહણ કરી શકે છે.
આ સંપત્તિમાં શેનો સમાવેશ છે?
આ પ્રૉપર્ટીમાં ફ્લૅગ સ્ટાફ હાઉસનો સમાવેશ છે જ્યાં ઍક્ટર સૈફ અલી ખાને ઘણો મોટો જીવનકાળ વિતાવ્યો છે. આ સિવાય નૂર-ઉસ-સબાહ પૅલેસ અને દાર-ઉસ-સલામનો પણ એમાં સમાવેશ છે.
શું છે એનિમી પ્રૉપર્ટી ઍક્ટ?
આ કાયદો ભારતે માત્ર પાકિસ્તાન અને ચીન માટે જ લાગુ કર્યો છે, કારણ કે એમને ભારતના દુશ્મન માનવામાં આવે છે. ૧૯૪૭માં ભારતના ભાગલા બાદ પાકિસ્તાન જતા રહેલા લોકો, ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ અને ૧૯૭૧માં ચીન સામે થયેલા યુદ્ધ બાદ ચીન ગયેલા લોકોની જે સંપત્તિ ભારતમાં હતી એને એનિમી પ્રૉપર્ટી ઍક્ટ હેઠળ વર્ગીકૃત કરીને ભારત સરકારે એનો કબજો લીધો હતો. આવા લોકોએ દુશ્મન દેશમાં જઈને ત્યાંની નાગરિકતા પણ લઈ લીધી હતી. સરકારનું માનવું છે કે આ પ્રૉપર્ટી પર મૂળ માલિકોનો અધિકાર રહે તો તેઓ એનો દુરુપયોગ કરી શકે છે. આથી સરકારે આ કાયદો બનાવ્યો હતો. એનિમી પ્રૉપર્ટી ઍક્ટ હેઠળ ઘર, મકાન, જમીન, શૅર, સોનું વગેરેનો સમાવેશ થાય છે. સરકારે આવી સંપત્તિઓ વેચીને ૩૪૦૦ કરોડ રૂપિયા ઊભા કર્યા છે. ભારતમાં ૧૨,૬૧૧ એનિમી પ્રૉપર્ટી છે જેની કિંમત એક લાખ કરોડ રૂપિયા જેટલી છે. સરકારે આ સંપત્તિઓ વેચવા માટે ૨૦૨૦માં એક સમિતિ પણ બનાવી છે. આ સંપત્તિમાં ૧૨,૪૮૫ પાકિસ્તાની નાગરિકોની અને ૧૨૬ ચીની નાગરિકોની છે. સૌથી વધારે ૬૨૫૫ એનિમી પ્રૉપર્ટી ઉત્તર પ્રદેશમાં છે.
ભોપાલના નવાબની દીકરી હતી આબિદા અને સાજિદા
ભોપાલ રિયાસત નવાબોની સંપત્તિ હતી. એના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનનું ૧૯૬૦માં નિધન થયું હતું. એના પછી ભોપાલના નવાબની આખી સંપત્તિની વારસ તેમની દીકરીઓ થઈ ગઈ છે. એમાંથી એકનું નામ આબિદા સુલતાન અને બીજીનું સાજિદા સુલતાન હતું. આબિદા ૧૯૫૦માં ભારત છોડીને પાકિસ્તાન જતી રહી હતી. સાજિદા સુલતાનનાં લગ્ન પટૌડી રિયાસતના નવાબ ઇફ્તિખાર ખલી ખાન સાથે થયાં હતાં. તેમને ત્રણ દીકરીઓ અને એક દીકરો મન્સૂર અલી ખાન હતાં. મન્સૂર અલી ખાન એટલે સૈફના પિતા.