આજે પૃથ્વી તરફ આવી રહ્યો છે ૧૫૦ ફુટ પહોળો ઍસ્ટેરૉઇડ

05 April, 2023 02:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાંચ જેટલાં ઍસ્ટેરૉઇડ આપણા ગ્રહની નજીક આવશે, જે પૈકી બે આજે સૌથી નજીક પહોંચશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પૃથ્વીની નજીક આવતા ઍસ્ટેરૉઇડ હંમેશાં હેડલાઇન્સ બનાવે છે, કારણ કે જો એ પૃથ્વી સાથે ટકરાય તો મોટી આફતનું કારણ બની શકે છે. તાજેતરમાં જ નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશનના જેટ પ્રોપલ્શન લૅબોરેટરીએ નોંધ્યું હતું કે આગામી દિવસોમાં પૃથ્વીને ઍસ્ટેરૉઇડનો સામનો કરવો પડશે. પાંચ જેટલાં ઍસ્ટેરૉઇડ આપણા ગ્રહની નજીક આવશે, જે પૈકી બે આજે સૌથી નજીક પહોંચશે. નાસાનું ઍસ્ટેરૉઇડ વૉચ ડૅશબોર્ડ ઍસ્ટેરૉઇડ અને ધૂમકેતુઓને ટ્રૅક કરે છે. આ ઍસ્ટેરૉઇડ ક્યારે પહોંચશે, એમનું કદ કેટલું હશે અને હાલ પૃથ્વીથી અંતર તમામ બાબતોનો ખ્યાલ રાખે છે.

કયા-કયા ઍસ્ટેરૉઇડ ત્રાટકશે?

ઍસ્ટેરૉઇડ ૨૦૨૩ - એફયુ૬  :  એક ૪૫ ફુટ ઍસ્ટેરૉઇડ હાલ પૃથ્વીથી ૧૮,૭૦,૦૦૦ કિલોમીટર દૂર છે. એ પૃથ્વીથી સૌથી નજીકથી પસાર થશે.

ઍસ્ટેરૉઇડ ૨૦૨૩ એફએસ૧૧ : ૮૨ ફુટ વિમાનના કદનો ઍસ્ટેરૉઇડ પૃથ્વીથી ૬૬,૧૦,૦૦૦ કિલોમીટરના અંતરથી પૃથ્વી નજીકથી પસાર થશે.  

ઍસ્ટેરૉઇડ ૨૦૨૩ એફઝેડ૩ : તમામ ઍસ્ટેરૉઇડ કરતાં કદમાં સૌથી મોટો ઍસ્ટેરૉઇડ આજે પૃથ્વી નજીકથી પસાર થશે. ૧૫૦ ફુટ પહોળો ખડક હાલ ૬૭,૬૫૬ કિલોમીટરની ઝડપે પૃથ્વી તરફ ધસી રહ્યો છે. જોકે આ ઍસ્ટેરૉઇડ પૃથ્વી માટે જોખમી નથી એવું જણાવાયું છે.

national news nasa new delhi