દુર્ઘટનાના એક કલાક સુધી ઍમ્બ્યુલન્સ જ ન પહોંચી?

31 March, 2023 12:36 PM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

ઇન્દોરના એક મંદિરમાં કૂવાની છત તૂટી પડવાથી ૧૪ જણનાં મૃત્યુ થયાં, રાહત અને બચાવ-કામગીરીમાં વહીવટી તંત્રની લાપરવાહી બહાર આવી

ઇન્દોરમાં ગઈ કાલે બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં કૂવાની છત તૂટી પડ્યા બાદ રેસ્ક્યુ ઑપરેશન કરી રહેલી ટીમ. તસવીર પી.ટી.આઇ.

મધ્ય પ્રદેશના ઇન્દોર સિટીના એક મંદિરમાં ગઈ કાલે સવારે રામનવમીના દિવસે એક ટ્રૅજિક ઘટના બની હતી. અહીંના પટેલ નગરના બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં કૂવાની છત તૂટી પડતાં ૧૪ જણનાં મૃત્યુ થયાં હતાં. ૪૦ ફુટ ઊંડા કૂવામાં લગભગ ૩૫ લોકો પડ્યા હતા. આ ઘટનાના સાક્ષી કેટલાક લોકોએ જણાવ્યું કે મંદિરમાં કૂવાની છત પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ટોળું ભેગું થઈ જવાથી આ ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૯ જણને બચાવવામાં આવ્યા છે અને તેઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ વાવમાં લગભગ પાંચ ફુટ જેટલું પાણી છે.

હવન દરમ્યાન આ દુર્ઘટના બની હતી. લોકો કૂવાની છત પર બેઠા હતા. વધારે ભારને કારણે છત તૂટી પડી હતી. કલેક્ટરે આ દુર્ઘટનાની મૅજિસ્ટ્રેટ લેવલની તપાસ કરાવવામાં આવશે એમ જણાવ્યું છે.   

પટેલ નગર રેસિડન્ટ્સ અસોસિએશનના અધ્યક્ષ કાંતિભાઈ પટેલે કહ્યું કે ‘ઑથોરિટીઝે આ દુર્ઘટનાની જાણકારી આપ્યા બાદ એક કલાક સુધી ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે નહોતી પહોંચી શકી. 
આ દુર્ઘટના બાદ સવાલ થઈ રહ્યા છે કે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? મંદિરમાં રામનવમીના દિને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટી પડશે એવી શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા શા માટે નહોતી કરવામાં આવી? આ મંદિરમાં સુરક્ષા રક્ષકો શા માટે નહોતા? ઘટનાસ્થળે પહોંચવામાં ઍમ્બ્યુલન્સને આટલો સમય કેમ લાગ્યો? ઍમ્બ્યુલન્સ જ નહીં, ફાયરબ્રિગેડ અને પોલીસને પણ ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ કેમ થયો હતો? 

 ઇન્દોરની દુર્ઘટનાથી અત્યંત પીડા થઈ. મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણજી સાથે વાતચીત કરી હતી અને આ સિચુએશન વિશે અપડેટ મેળવી હતી. રાજ્ય સરકાર ખૂબ ઝડપથી રાહત અને બચાવ-કામગીરી કરી રહી છે. - નરેન્દ્ર મોદી, વડા પ્રધાન
national news indore narendra modi madhya pradesh