મણિપુરમાં ઉગ્રવાદી ગ્રુપ્સ વચ્ચે ફાયરિંગ

05 December, 2023 10:13 AM IST  |  Imphal | Gujarati Mid-day Correspondent

સિક્યૉરિટી ફોર્સિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેંગનોઉપલ જિલ્લામાં સાઇબોલ પાસે લેઇથુ ગામમાં ઉગ્રવાદીઓનાં બે ગ્રુપ્સની વચ્ચે ફાયરિંગ થયું હોવાના ઇન્પુટ્સ મળ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

ઇમ્ફાલઃ મણિપુરમાં વધુ એક વખત હિંસા ફેલાઈ છે. આ રાજ્યના તેંગનોઉપલ જિલ્લામાં હિંસામાં ઓછામાં ઓછા ૧૩ જણનાં મોત નીપજ્યાં છે. સિક્યૉરિટી ફોર્સિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેંગનોઉપલ જિલ્લામાં સાઇબોલ પાસે લેઇથુ ગામમાં ઉગ્રવાદીઓનાં બે ગ્રુપ્સની વચ્ચે ફાયરિંગ થયું હોવાના ઇન્પુટ્સ મળ્યા હતા. એક ઑફિસરે જણાવ્યું હતું કે ઘટનાસ્થળથી સૌથી નજીકમાં સિક્યૉરિટી ફોર્સિસ પણ દસ કિલોમીટર દૂર હતી. સિક્યૉરિટી ફોર્સિસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને લેઇથુ ગામમાં ૧૩ મૃતદેહો મળ્યા હતા. ફોર્સિસને મૃતદેહોની પાસે કોઈ હથિયારો નહોતાં મળ્યાં. આ ઑફિસરે વધુમાં જણાવ્યું હતું કે એમ જણાય છે કે મૃત્યુ પામનારાઓ લેઇથુ એરિયાના નહીં હોય. તેઓ બીજા સ્થળેથી અહીં આવ્યા હશે અને અહીંના એક ગ્રુપ અને તેમની વચ્ચે ફાયરિંગ થયું હશે. પોલીસ કે સિક્યૉરિટી ફોર્સિસે મૃત્યુ પામનારાઓની ઓળખ કન્ફર્મ કરી નથી. મણિપુર ત્રીજી મેથી મૈતેયી અને કુકી કમ્યુનિટીઝની વચ્ચે વંશીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. નોંધપાત્ર છે કે રવિવારે જ રાજ્યમાં સાત મહિના બાદ મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસિસ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો, પરંતુ કેટલાક જિલ્લાઓમાં સરહદી વિસ્તારોમાં હજી પણ બૅન છે. 

manipur national news