આચારસંહિતા લાગુ થયા બાદ આવકવેરા ખાતાએ જપ્ત કરી ૧૧૦૦ કરોડની રોકડ અથવા જ્વેલરી

03 June, 2024 08:59 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી અને કર્ણાટકમાં સૌથી વધારે ૨૦૦-૨૦૦ કરોડ રૂપિયાની રોકડ અથવા જ્વેલરી જપ્ત કરાઈ હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થઈ ત્યારથી ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધીના સમયગાળામાં આવકવેરા વિભાગે રેકૉર્ડ ૧૧૦૦ કરોડ રૂપિયાની રોકડ અને જ્વેલરી જપ્ત કરી હતી. ૨૦૧૯માં આચારસંહિતા લાગુ થયા બાદ આવકવેરા ખાતાએ ૩૯૦ કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરી હતી. આમ આ વખતે ૧૮૨ ટકા વધારો જોવા મળ્યો હતો.

૧૬ મેએ આચારસંહિતા લાગુ થઈ હતી. એ દિવસથી જ આવકવેરા વિભાગે બિનહિસાબી રોકડ રકમ અને જ્વેલરીની હેરફેર પર નજર રાખી હતી. મતદારોને લોભાવવા આનો ઉપયોગ થઈ શકે એમ હતો.

દિલ્હી અને કર્ણાટકમાં સૌથી વધારે ૨૦૦-૨૦૦ કરોડ રૂપિયાની રોકડ અથવા જ્વેલરી જપ્ત કરાઈ હતી. ત્યાર બાદ તામિલનાડુમાંથી ૧૫૦ કરોડ, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને ઓડિશામાંથી પણ ૧૦૦-૧૦૦ કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ હતી.

૫૦,૦૦૦ કરતાં વધારે રોકડ રકમ અથવા ૧૦,૦૦૦ રૂપિયાથી વધારેની ચીજવસ્તુઓ લઈને જતા લોકોની ચકાસણી કરાઈ હતી અને જો તેમની પાસે આ રકમ વિશે દસ્તાવેજ ન હોય તો એ રૂપિયા જપ્ત કરવામાં આવતા હતા. દસ્તાવેજ રજૂ કરતાં આ રકમ પાછી અપાતી હતી. જોકે ૧૦ લાખ રૂપિયા કરતાં વધારેની રકમ તાત્કાલિક જપ્ત કરવામાં આવતી હતી.

Lok Sabha Election 2024 income tax department national news india Crime News delhi karnataka