12 February, 2025 07:32 AM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત ૧૦મી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદમાં ભારતના રાષ્ટ્રપતિ હાજરી આપશે
૧૪ થી ૧૬ ફેબ્રુઆરી આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય સેન્ટર બેંગલુરુ ખાતે ૧૦મી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં રાજકારણ, વેપાર, કલા અને સામાજિક ક્ષેત્રની પ્રભાવશાળી મહિલાઓ તથા ૬૦+ વક્તા અને ૫૦૦+ પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.
બે દાયકાના સમયગાળામાં, આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદે ૧૧૫ દેશોના ૪૬૩ પ્રતિષ્ઠિત વક્તાઓ અને ૬૦૦૦થી વધુ પ્રતિનિધિઓને એકસાથે એક મંચ પર લાવ્યા છે. આ વર્ષે, ભારતના માનનીય રાષ્ટ્રપતિ ઉપરાંત કર્ણાટકના માનનીય રાજ્યપાલ થાવર ચંદ ગેહલોત, માનનીય કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી, ભારતના પૂર્વ વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, શ્રમ અને રોજગાર મંત્રાલય અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી શોભા કરંદલાજે, નિવૃત્ત કોમનવેલ્થ મહાસચિવ પેટ્રિસિયા સ્કોટલેન્ડ, જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીની પત્ની આકી એબે, ફિલ્મ નિર્દેશક આશ્વિની ઐય્યર તિવારી, પ્રસિદ્ધ અભિનેત્રી હેમા માલિની અને શર્મિલા ટાગોર, બોલીવૂડ આઈકન્સ સારા અલી ખાન અને સોનાક્ષી સિંહા, ટોપ બિઝનેસ લીડર્સ રાધિકા ગુપ્તા અને કનિકા ટેકરીવાલ, આમ ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓ આ પરિષદમાં હાજરી આપશે.
આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદના અધ્યક્ષ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના બહેન ભાનુમતી નરસિમ્હન છે. તેઓ ગુરુદેવના તણાવમુક્ત, હિંસા-મુક્ત વિશ્વ માટેના વિઝન તરફ કાર્યરત છે જેમાં તેઓ આર્ટ ઓફ લિવિંગના મહિલા કલ્યાણ અને બાળ જતન કાર્યક્રમોનું નેતૃત્વ કરે છે. આર્ટ ઓફ લિવિંગ ૧૮૦ દેશોમાં કાર્યરત વૈશ્વિક બિન-લાભકારી સંસ્થા છે. ભાનુમતીએ આધ્યાત્મિક ગહનતા અને માનવતાવાદી સેવા માટેની વ્યાપક દ્રષ્ટિ સાથે, સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવા હેતુ, શિક્ષણ, પર્યાવરણીય સસ્ટેનેબીલીટી અને મહિલા સશક્તિકરણની પહેલો દ્વારા ચાર દાયકાથી પણ વધુ સમય સમર્પિત કર્યો છે.
આ પરિષદની થીમ “જસ્ટ બી (Just Be)“ છે, જે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના એક કાવ્યથી પ્રેરિત છે. આ થીમ અંતર્ગત પરિષદમાં નેતૃત્વ, સ્વ-અન્વેષણ અને સશક્તિકરણ પર ઊંડી ચર્ચાઓ થશે.
આ કાર્યક્રમ માત્ર વિચારવિમર્શ પૂરતો સીમિત નહીં રહે, પણ તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ થશે, જેમ કે આંતરરાષ્ટ્રીય ખાણી-પીણી મહોત્સવ અને સંગીતમય પ્રદર્શન “સીતા ચરિતમ્”.
“સીતા ચરિતમ્” પ્રખ્યાત રામ-સીતા ગાથાને એક નવી દૃષ્ટિથી રજૂ કરે છે, જેમાં ૫૦૦થી વધુ પ્રતિભાશાળી કલાકારો અને સમર્પિત ટેકનિકલ ટીમ કાર્યરત છે. આ વિખ્યાત મહાકાવ્યની નાટકીયતા અને ભાવનાત્મકતા અંગ્રેજી સંવાદો અને મૂળભૂત સંગીત રચનાઓ દ્વારા સાકાર કરવામાં આવી છે, જે આજના પ્રેક્ષકો માટે એક ઉત્તમ અનુભવ સાબિત થશે.
આ વર્ષની પરિષદમાં એક વિશેષ વિભાગ "સ્ટાઇલિશ ઈન્સાઈડઆઉટ: ફેશન ફોર અ કૉઝ," પણ છે, જેમાં સબ્યસાચી, રાહુલ મિશ્રા, મનીષ મલ્હોત્રા અને રૉ મેંગો જેવા પ્રખ્યાત ભારતીય ડિઝાઇનર્સના ડિઝાઇન સમાવિષ્ટ છે. આ ડિઝાઇનની હરાજી કરવામાં આવશે, અને તે ભંડોળ આર્ટ ઓફ લિવિંગ ફ્રી સ્કૂલ્સને સહાય આપવા માટે વપરાશે.
વિશ્વ એક વિશાળ પરિવર્તનના સમયથી પસાર થઈ રહ્યું છે, જ્યાં નેતૃત્વ અને જાતિગત ભૂમિકાઓમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. આવા સંદર્ભમાં, રાષ્ટ્રપતિ મુર્મુની આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદમાં હાજરી આ પરિવર્તનશીલ સમારંભની મહત્ત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે. આ પરિષદમાંથી એકત્રિત થયેલ ભંડોળ બાળકન્યાઓના શિક્ષણ માટે વપરાશે. આર્ટ ઓફ લિવિંગ ફ્રી સ્કૂલ્સ દેશભરમાં ૧૩૦૦થી વધુ શાળાઓ ચલાવે છે, જે ૧૦૦૦૦૦થી વધુ વિદ્યાર્થીઓના જીવનને સ્પર્શી રહી છે.
પરંપરાગત નેતૃત્વ પરિષદોથી ભિન્ન, આ સંમેલન એક સમગ્ર અનુભવ પ્રદાન કરે છે - જેમાં બૌદ્ધિક ચર્ચાઓ સાથે આધ્યાત્મિક અભ્યાસ, સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને સેવા આધારિત સામાજિક પહેલો શામેલ છે.
આ પરિષદ શહેરી અને ગ્રામીણ મહિલાઓ ને જોડવાનું અને તેમના સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. આર્ટ ઓફ લિવિંગ ફ્રી સ્કૂલ્સના શિક્ષકો, જે ૨૨ રાજ્યોમાંથી આવે છે, તેઓ સ્થાનિક સ્તરની વાસ્તવિકતાઓને વૈશ્વિક મંચ પર પ્રસ્તુત કરશે.
આ સંમેલન માત્ર ચર્ચાઓ પૂરતું સીમિત નથી, તે એક આંદોલન છે, જે મહિલા નેતૃત્વને ઉજવે છે અને ‘જસ્ટ બીઇંગ (ફક્ત હોવાની)’ આંતરિક યાત્રાની શરૂઆત કરે છે.