હિંસાગ્રસ્ત બંગલાદેશમાંથી ૧૦૦૦ ભારતીય સ્ટુડન્ટ્સ પાછા ફર્યા, ૪૦૦૦ હજી ફસાયેલા

21 July, 2024 07:58 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વિદેશ મંત્રાલય અને ભારતીય બૉર્ડર સિક્યૉરિટી ફોર્સે આ કામગીરી ઉપાડી લીધી છે

ગઈ કાલે બંગલાદેશથી પાછા ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ.

પાડોશી દેશ બંગલાદેશમાં આરક્ષણના મુદ્દે ફાટી નીકળેલી હિંસાને કારણે દેશમાં સિવિલ વૉર જેવી પરિસ્થિતિ છે ત્યારે બંગલાદેશની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૫૦૦૦ પૈકી ૧૦૦૦ સ્ટુડન્ટ્સ ભારત આવી ગયા છે, ૨૦૦ સ્ટુડન્ટ્સ ઢાકા અને ચિત્તાગોંગથી ફ્લાઇટમાં અને આશરે ૮૦૦ સ્ટુડન્ટ્સ રોડ માર્ગે ભારત આવ્યા છે.

જોકે ત્યાં ફસાયેલા ૪૦૦૦ સ્ટુડન્ટ્સને ભારત લાવવા માટે ઢાકામાં આવેલા ભારતીય રાજદૂતાવાસે કામગીરી હાથ ધરી છે. વિદેશ મંત્રાલય અને ભારતીય બૉર્ડર સિક્યૉરિટી ફોર્સે આ કામગીરી ઉપાડી લીધી છે અને આ સ્ટુડન્ટ્સને રોડ રસ્તે ભારત લાવવામાં આવશે. નેપાલ અને ભુતાનના સ્ટુડન્ટ્સને પણ ભારત-સ્વદેશ પહોંચાડવામાં મદદ કરશે.

ભારતીય સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું કે ઘણાએ ફ્લાઇટની ટિકિટો બુક કરાવી છે, પણ રવિવાર સુધી કરફ્યુ હોવાથી ઘરની બહાર નીકળી શકાય એમ નથી. વિવિધ યુનિવર્સિટીઓની હોસ્ટેલમાં ભારતીય સ્ટુડન્ટ્સ અટકાયા છે જ્યાં હાલમાં વાતાવરણ શાંત છે.

national news india bangladesh indian government new delhi