અત્યંત હીટવેવને કારણે બિહાર અને યુપીમાં ૧૦૦ દરદીનાં મોત?

19 June, 2023 10:17 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશમાં ગરમીથી મોતના રિપોર્ટ્‌સ બાદ સરકારે હૉસ્પિટલના આરોગ્ય અધિકારીની બદલી કરી

ગરમીને કારણે રેલવે-ટ્રૅક પીગળવાથી પહોળો થઈ ગયો

ઉત્તર ભારતના લોકો અત્યંત ગરમીને કારણે રીતસર શેકાઈ રહ્યા છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસમાં સો જણનાં મોત નીપજ્યાં હોવાનું જણાવાયું છે. ઉત્તર પ્રદેશમાં ૫૬ લોકોએ, જ્યારે બિહારમાં ૪૪ વ્યક્તિઓએ અત્યંત ગરમીને કારણે જીવ ગુમાવ્યા હોવાના રિપોર્ટ્સ છે.

ઉત્તર પ્રદેશના બલિયામાં એક જિલ્લા હૉસ્પિટલમાં ૧૫થી ૧૭મી જૂન દરમ્યાન દાખલ કરવામાં આવેલા ૫૬ લોકોનાં મોત નીપજ્યાં છે. આ રિપોર્ટ્સ બાદ આરોગ્યવિભાગની એક ટીમ દરદીઓનાં મોતનું કારણ જાણવા આ હૉસ્પિટલમાં પહોંચી હતી. જેના પછી બલિયાના ચીફ મેડિકલ ઑફિસર જયંત કુમારે કહ્યું હતું કે ‘મોટા ભાગના પેશન્ટ્સની ઉંમર ૬૦ વર્ષથી વધુ હતી. તેમને બીજી બીમારીઓ પણ હતી. રવિવાર સુધી માત્ર બે જ વ્યક્તિઓના હીટ સ્ટ્રોકના કારણે મોત થયા છે.’ દરમ્યાનમાં આ હૉસ્પિટલમાં દરદીઓનાં મોતનાં કારણ વિશે લાપરવાહીભર્યું નિવેદન આપવા બદલ એના ચીફ મેડિકલ સુપ્રિન્ટેડન્ટ ડૉ. દિવાકર સિંહની બદલી કરવામાં આવી હતી.

બીજી તરફ બિહારમાં અત્યંત ગરમીને કારણે ૨૪ કલાકમાં ૪૪ લોકોનાં મોત નીપજ્યાં છે. આ રાજ્યમાં ૧૮ સ્થળોએ અત્યંત ગરમી પડી રહી છે. જે ૪૪ વ્યક્તિઓનાં ગરમીને કારણે મોત થયાં છે તેમાંથી ૩૫ જણ તો પટનાના જ હતા. અહીં ૧૧ જિલ્લામાં ૪૪ ડિગ્રી સે​લ્સિયસ કરતાં વધારે તાપમાન નોંધાયું હતું. પટનામાં ૨૪મી જૂન સુધી સ્કૂલોને બંધ રાખવામાં આવી છે અને આ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગરમીને કારણે રેલવે-ટ્રૅક પીગળવાથી પહોળો થઈ ગયો

અત્યંત ગરમીને કારણે લખનઉમાં નિગોહાન રેલવે સ્ટેશન ખાતે લૂપ લાઇન પર રેલવે ટ્રૅક્સ શનિવારે સાંજે પીગળવાથી પહોળો થઈ ગયો હતો. અહીં નીલાંચલ એક્સપ્રેસ ભૂલથી મેઇન લાઇનને બદલે લૂપલાઇન ક્રૉસ કરી ગઈ હતી, જેને કારણે ટ્રૅક્સ પીગળીને ફેલાયા હતા. ટ્રૅક ફેલાવાને કારણે આંચકો લાગતાં લોકોમોટિવ પાઇલટે તરત જ ટ્રેનને સમયસર રોકી દીધી હતી. તેની સમયસૂચકતાને કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. તરત જ એ ટ્રૅકને રિપેર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી.

હીટવેવ અલર્ટ, સમર વેકેશન લંબાવાયું

ભારતના અનેક વિસ્તારો અત્યંત ગરમીથી સતત શેકાઈ રહ્યા છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં તીવ્રથી અતિ તિવ્ર હીટવેવની સ્થિતિ રહેશે એવી આગાહી કરી છે. બિહાર સહિત અનેક રાજ્યોએ તેમનું સમર વેકેશન લંબાવ્યું છે. ઝારખંડના સ્કૂલ એજ્યુકેશન ઍન્ડ લિટરસી ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું હતું કે રાજ્યમાં આઠમા ધોરણ સુધી તમામ ધોરણો માટે સ્કૂલો ૧૭ જૂન સુધી બંધ રહેશે. બીજી તરફ ગોવા, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશે પણ તેમનું સમર વેકેશન લંબાવ્યું છે. 

heat wave lucknow uttar pradesh bihar Weather Update national news