ઑપરેશન સિંદૂરમાં અમે પાકિસ્તાનનાં F-16, JF-17 જેવાં ૧૦ ફાઇટર જેટ તોડી પાડ્યાં હતાં

04 October, 2025 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન ભારતનાં જેટ તોડી પાડ્યાની ડિંગ હાંકે છે ત્યારે ઍર ચીફ માર્શલે કહ્યું…

ઍર ચીફ માર્શલ એ. પી. સિંહ

ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)ના ૯૩મા સ્થાપનાદિવસ પર આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં ઍર ચીફ માર્શલ એ. પી. સિંહે પાકિસ્તાને થયેલા નુકસાન પર ખૂલીને વાત કરી હતી. અલગ-અલગ પ્લૅટફૉર્મ પરથી પાકિસ્તાન ઑપરેશન સિંદૂર દરમ્યાન જૂઠા દાવાઓ કરી રહ્યું હતું. ક્યારેક ભારતનાં ૪ જેટ તોડી પાડ્યાં તો ક્યારેક ૭ જેટ તોડી પાડ્યાના દાવાઓ કરીને યુદ્ધમાં પોતાની જીત થઈ હોવાનો આભાસ ઊભો કરવાની નાકામ કોશિશ એ કરી રહ્યું છે. જોકે ભારતે પાકિસ્તાનના જૂઠને બેનકાબ કરતી સચ્ચાઈ પેશ કરી હતી. પાકિસ્તાન દ્વારા ભારતીય જેટ તોડી પડાયાના દવાઓને ઍર ચીફ માર્શલ એ. પી. સિંહે ‘મનોહર વાર્તાઓ’ ગણાવતાં કહ્યું હતું કે ‘પાકિસ્તાને આપણાં જેટ તોડી પાડ્યાં એ તેમણે જાતે ઉપજાવેલી કહાણી છે. કંઈક તો જનતાને કહેવું પડેને? જો પાકિસ્તાન એવી કલ્પનામાં રાચતું હોય કે તેમણે આપણાં જેટ તોડ્યાં તો એ કલ્પના તેમને મુબારક, પણ શું તમને ક્યાંય કોઈ તસવીર એવી દેખાઈ જ્યાં ભારતના કોઈ હૅન્ગર કે ઍરબેઝને નુકસાન થયું છે?’

પાકિસ્તાનને શું નુકસાન થયું?

ઍર ચીફ માર્શલ એ. પી. સિંહે કહ્યું હતું કે ‘જ્યાં સુધી ઍર ડિફેન્સ સિસ્ટમનો સવાલ છે આપણી પાસે ૩૦૦ કિલોમીટરથી પણ વધુના અંતર સુધી સ્ટ્રાઇક કરી શકવાનું સ્પષ્ટ પ્રમાણ છે. આપણી સિસ્ટમ મુજબ F-16 અને JF-17 ક્લાસનાં ઓછામાં ઓછાં પાંચ હાઈ-ટેક ફાઇટર જેટ્સ તોડી પડાયાં છે. ઇન્ટેલ ઇનપુટ મુજબ કુલ મળીને ૧૦થી ૧૨ પાકિસ્તાની ઍરક્રાફ્ટ નષ્ટ થયાં હોવાના સંકેત મળ્યા છે. ઑપરેશન સિંદૂર દરમ્યાન અમે પાકિસ્તાની ઍરબેઝ અને ઇન્સ્ટૉલેશનો પર ભારે હુમલો કર્યો હતો. આ અટૅકમાં પાકિસ્તાનને જમીન અને હવા બન્નેમાં મોટો ઝટકો મળ્યો હતો.’

ઍર ચીફ માર્શલે વધુમાં કહ્યું હતું કે ‘પાકિસ્તાને થયેલું નુકસાન સાફ છે. અમે અનેક હવાઈ અડ્ડાઓ અને ચોક્કસ જગ્યાઓ પર સટિક હુમલા કર્યા હતા.’

ભારતના હુમલાથી પાકિસ્તાનને શું નુકસાન થયું એની યાદી પુરાવા સાથે એકઠી કરીને એની જાહેરાત કરવામાં આવી હતી.

જમીન પર પાકિસ્તાનનો વિનાશ

રડાર સિસ્ટમ કમસે કમ ચાર જગ્યાની રડાર સિસ્ટમ નષ્ટ કરી હતી. એનાથી દુશ્મનની નિગરાની રાખવાની ક્ષમતા નબળી પડે છે.

કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટર બે જગ્યાનાં મહત્ત્વનાં કન્ટ્રોલ સેન્ટર તબાહ કરી દેવામાં આવ્યાં.

રનવેને નુકનાન બે હવાઈ અડ્ડા પરના રનવેને ભારે ક્ષતિ પહોંચી હતી. એનાથી વિમાનને ઉડાન ભરવામાં તકલીફ પડી.

હૅન્ગર અને ટાર્મેક : ત્રણ અલગ-અલગ સ્ટેશનો પર ત્રણ હૅન્ગર ક્ષતિગ્રસ્ત કર્યાં. એમાં રાખેલાં વિમાન પણ સેફ ન રહ્યાં. હૅન્ગર F-16 બેઝનું હતું એટલે ત્યાં રાખેલાં લડાકુ વિમાનોને પણ નુકસાન પહોંચ્યું.

વિમાન અને હથિયાર હૅન્ગર અને ટાર્મેક પર એક C-130 ક્લાસનું ટ્રાન્સપોર્ટ વિમાન, એક ઍરબોર્ન વૉર્નિંગ ઍન્ડ કન્ટ્રોલ ક્લાસનું વિમાન અને કમસે કમ ૪-૫ ફાઇટર વિમાન નષ્ટ થયાંનાં નિશાન મળ્યાં. મોટા ભાગનાં F-16 વિમાન હતાં જે મેઇન્ટેનન્સ માટે પડ્યાં હતાં. આ ઉપરાંત સરફેસ ટુ ઍર મિસાઇલ સિસ્ટમ પૂરી રીતે તબાહ થઈ ગઈ.

national news india operation sindoor indian army indian air force pakistan