મારા પિતાની હત્યા બાદ સલમાનભાઈ દરરોજ રાતે ફોન કરીને કહે છે કે મારી ઊંઘ ઊડી ગઈ છે

29 October, 2024 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાબા સિદ્દીકીની હત્યા પછીના પહેલા ઇન્ટરવ્યુમાં ઝીશાન કહે છે...

ઝીશાન સિદ્દીકી, સલમાન ખાન

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને ત્રણ વખતના વિધાનસભ્ય બાબા સિદ્દીકીની ખુલ્લેઆમ ફાયરિંગ કરીને હત્યા કરવાની ઘટનાને બે અઠવાડિયાં થઈ ગયા બાદ પણ તેમનો પરિવાર અને પુત્ર ઝીશાન સિદ્દીકી આઘાતમાં છે. એટલું જ નહીં, બાબા સિદ્દીકીના ફ્રેન્ડ અને બૉલીવુડના દબંગ ઍક્ટર સલમાન ખાનની ઊંઘ પણ ઊડી ગઈ છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગે લીધા પછી સલમાનની ચિંતામાં વધારો થયો છે. પોતાને કારણે ગૅન્ગે બાબા સિદ્દીકીની હત્યા કરી હોવાથી સલમાનને વધુ આઘાત લાગ્યો છે. 
આ વિશે ઝીશાન સિદ્દીકીએ કહ્યું કે ‘મારા પિતા સાથે સલમાનભાઈનો સંબંધ સગા ભાઈ જેવો હતો. બાબાની હત્યા બાદ સલમાનભાઈએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે. તે દરરોજ રાતે ફોન કરીને અમારી સ્થિતિની પૂછપરછ કરે છે. એટલું જ નહીં, ભાઈ કહે છે કે મારી ઊંઘ ઊડી ગઈ છે એટલે સૂઈ નથી શકતો.’

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના બાંદરા-વેસ્ટમાં આવેલા ઘરની બહાર બિશ્નોઈ ગૅન્ગના બે શૂટરોએ ફાયરિંગ કર્યાના ૬ મહિના પછી બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી. 

Salman Khan baba siddique zeeshan siddique murder case mumbai mumbai news