રામલલા કૉન્ગ્રેસને સત્તામાં નહીં આવવા દે

19 May, 2024 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસે યોગી આદિત્યનાથે કુર્લામાં કહ્યું...

ગઈ કાલે કુર્લામાં મુંબઈ નૉર્થ સેન્ટ્રલના ઉમેદવાર ઉજ્જવલ નિકમ સાથે યોગી આદિત્યનાથ. (તસવીર : શાદાબ ખાન)

સોમવારે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની ૪૮માંથી બાકી રહેલી ૧૩ બેઠકો પર મતદાન થશે. આ ચૂંટણી માટે ગઈ કાલે પ્રચારનો છેલ્લો દિવસ હતો ત્યારે ઉત્તર પ્રદેશના ફાયરબ્રૅન્ડ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રના ધુળે, નાલાસોપારા અને મુંબઈના કુર્લામાં પ્રચારસભા સંબોધી હતી. કુર્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠકના ઉમેદવાર ઉજ્જવલ નિકમના પ્રચાર માટેની સભામાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘રામભક્તો રાષ્ટ્રભક્ત છે જેઓ જનતાની સેવા કરવાની સાથે ભારતના વિકાસ માટે કામ કરશે. કૉન્ગ્રેસના નેતાઓ કહે છે કે રામમંદિર બનાવવાની જરૂર નહોતી. કૉન્ગ્રેસ જો અયોધ્યામાં મંદિર બનવાથી ખુશ ન હોય તો એ ઇટલીમાં રામમંદિર બાંધી શકે છે. તેઓ જો રામમંદિર બનાવવા ન માગતા હોય તો બજરંગબલીનું મંદિર બનાવી શકે છે. કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ કહે છે કે અમે સત્તામાં આવીશું તો રામમંદિર તોડી નાખીશું. રામલલા કૉન્ગ્રેસને સત્તામાં નહીં જ આવવા દે. ભારતની જનતા રામમંદિર બનાવનારાઓને જ સપોર્ટ કરી રહી છે એટલે લોકસભાની ચૂંટણીમાં આ વખતે ૪૦૦થી વધુ બેઠકો અમને મળશે એવો વિશ્વાસ છે.’

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને મુંબઈમાં ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાઓનું અપમાન કરવાનો આરોપ કૉન્ગ્રેસ પર લગાવતાં કહ્યું હતું કે ‘વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ કાયમ દેશવિરોધી તત્ત્વો સામે લડ્યા છે. પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબની નહીં પણ એક પોલીસ-અધિકારીની ગોળીઓથી ત્રણ ઉચ્ચ પોલીસ-અધિકારીનાં મૃત્યુ થયું હોવાનું કહીને કૉન્ગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. કેન્દ્રમાં મોદીની સરકાર આવ્યા બાદથી મુંબઈમાં આતંકનો ઓછાયો દૂર થયો છે. ત્રીજી ટર્મમાં પણ અમારા ઉમેદવારોને મત આપીને મુંબઈની સુરક્ષાની સાથે વિકાસને આગળ વધારવા માટે મોદીના હાથ મજબૂત કરો.’

mumbai news mumbai yogi adityanath Lok Sabha Election 2024 ram mandir