02 October, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બાંદરામાં ગરમીથી ત્રસ્ત એક વ્યક્તિ. (તસવીર : અતુલ કાંબળે)
હજી ગયા અઠવાડિયે ધમધોકાર વરસાદની મજા માણનારા મુંબઈગરાએ ગઈ કાલે બપોરે રીતસર ગરમીના ચટકા અનુભવ્યા હતા. ઑક્ટોબરના પહેલા જ દિવસે મુંબઈગરાઓએ ગરમીનો અનુભવ કર્યો હતો. ગઈ કાલે કોલાબામાં ૩૨.૮ અને સાંતાક્રુઝમાં ૩૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મૉન્સૂનને કારણે હાલ વાતાવરણમાં ધૂળના રજકણો ઓછા છે અને એથી સૂર્યનાં કિરણો તીવ્ર લાગી રહ્યાં હતાં.
હવામાન ખાતાના મુંબઈના ડિરેક્ટર સુનીલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑક્ટોબર ચાલુ થયો છે એથી હીટનું પ્રમાણ વધશે. આ એક કુદરતી ઋતુચક્ર છે. હવે મૉન્સૂન મહારાષ્ટ્રમાંથી વિદાય લેશે. એના વિધડ્રૉઅલનાં જે કુદરતી પરિબળો સર્જાતાં હોય છે એ તૈયાર થઈ રહ્યાં છે. હાલ દિવસના ટાઇમે સખત ગરમીના કારણે ગરમ હવા તૈયાર થશે જે ઊંચે ચડશે અને પછી એ વાદળોની સાથે અથડાતાં સાંજના સમયે વરસાદનાં ઝાપટાં પડશે. જોકે ગરમીના કારણે જમીન સૂકી થશે અને ધૂળ ઊડશે. વરસાદ પડશે એટલે પાછો કાદવ થશે. આમ થોડા દિવસ ચાલશે પણ હાલ ગરમી વધતી જશે એ પછી ધીમે-ધીમે રાતનું ટેમ્પરેચર ઘટશે.’