01 June, 2024 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નાગપુરમાં ગઈ કાલે પારો ઑલટાઇમ હાઈ ૫૬ ડિગ્રી પર પહોંચી ગયો હોવાના સમાચાર વહેતા થયા હતા અને કેટલીક ન્યુઝ વેબસાઇટ પર એ ફ્લૅશ પણ થયા હતા. જોકે હવામાન વિભાગ દ્વારા આ બાબતે પ્રેસ-રિલીઝ બહાર પાડીને ચોખવટ કરાઈ હતી કે તેમના નાગપુર સેન્ટરનું જે ટેમ્પરેચર સેન્સર છે એ બગડેલું છે અને એ તાપમાન બરાબર દર્શાવતું નથી એટલે એનું રિપેરિંગ હાથ ધરાયું છે. ઇલેક્ટ્રૉનિક ડિજિટલ સેન્સર એક્સ્ટ્રીમ વેધરમાં બગડી શકે છે અને એની ઑટોમૅટિક સિસ્ટમ સાઇટ-કન્ડિશન, ખરાબ થયેલા સેન્સર અને એના પ્રોટેક્ટિવ શીલ્ડની ખામીને કારણે ખોટી નોંધ લઈ શકે છે. જોકે હવામાન ખાતાનો સ્ટાફ આ ટેમ્પરેચર રીડિંગ અન્ય પૅરામીટર્સના આધારે ખોટું છે એ જાણી લે છે. એથી ગુરુવારે નાગપુરમાં ૫૬ ડિગ્રી તાપમાન નોંધાયું એવા જે અહેવાલ આવ્યા હતા એ ખોટા છે. ગુરુવારે નાગપુરમાં ૪૪ ડિગ્રી અને ગઈ કાલે શુક્રવારે ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.