મહારાષ્ટ્રના નવા રાજ્યપાલે શપથ લીધા

01 August, 2024 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સી. પી. રાધાક્રિષ્નન અત્યાર સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. તેઓ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા છે.

બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાયે ગઈ કાલે સી. પી. રાધાક્રિષ્નન (વચ્ચે)ને શપથ લેવડાવ્યા ત્યારે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ ઉપસ્થિત હતા. (તસવીર - સૈયદ સમીર અબેદી)

રાજભવનના દરબાર હૉલમાં ગઈ કાલે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સી. પી. રાધાક્રિષ્નને શપથ લીધા હતા. તેઓ રમેશ બૈસની જગ્યાએ રાજ્યના ૨૧મા રાજ્યપાલ બન્યા હતા. બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયએ તેમને શપથ લેવડાવ્યા હતા ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાને દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

સી. પી. રાધાક્રિષ્નન અત્યાર સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. તેઓ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા છે. તેઓ ૧૭ વર્ષ અને છ મહિનાના હતા ત્યારે જનસંઘમાં જોડાયા હતા. તામિલનાડુની કોઇમ્બતુર બેઠક પરથી BJPની ટિકિટ પર ૧૯૯૮ અને ૧૯૯૯માં તેઓ ચૂંટાઈને આવ્યા હતા. જોકે ત્યાર બાદ ૨૦૦૪, ૨૦૧૪ અને ૨૦૧૯માં તેમનો પરાભવ થયો હતો. તેઓ તામિલનાડુના પ્રદેશાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા નૉમિનેટેડ ૧૨ વિધાનસભ્યોનો મામલો લાંબા સમયથી પ્રલંબિત હોવાથી એના વિશે નવા રાજ્યપાલ સી. પી. રાધાક્રિષ્નનને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે જે જરૂરી હશે એ નક્કી કરવામાં આવશે.     

maharashtra news ajit pawar devendra fadnavis eknath shinde bombay high court mumbai news mumbai bharatiya janata party