મુંબઈ અને થાણેમાં આજે યલો અલર્ટ

24 July, 2023 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ જ રીતે વરસાદ પડતો રહે તો ૧૦ ટકાનો પાણીકાપ થોડા દિવસોમાં પાછો ખેંચાય એવી શક્યતા

(તસવીર : નિમેશ દવે)


મુંબઈ : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે બપોર પછી નાનાં-મોટાં ઝાપટાં પડી રહ્યાં હતાં. સવારના એકદમ પ્લેઝન્ટ વાતાવરણ હતું, ન તડકો ન વરસાદ અને વાદળો છવાયેલાં હતાં. જોકે આજે પણ એવું જ વાતાવરણ રહેવાની શક્યતા વેધશાળાએ દર્શાવી છે. જોકે શનિવારે સાંતાક્રુઝમાં સીઝનનો સૌથી વધુ વરસાદ ૨૦૩ એમએમ નોંધાયો હતો. આજે મુંબઈ અને થાણેમાં છૂટાંછવાયાં ઝાપટાં પડતાં રહેશે એટલે મોસમ વિભાગે યલો અલર્ટ જાહેર કરી છે; પણ પાલઘર, રાયગડ અને રત્નાગિરિમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. 
ભિવંડીમાં ગઈ કાલે પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હોવાથી લોકોને હાડમારી ભોગવવી પડી હતી. પાણી ભરાવાને કારણે અનેક વાહનો રસ્તા પર બંધ પડી ગયાં હતાં એટલે એને હટાવવા લોકોએ ભારે માથામણ કરવી પડી હતી.   
હાલ પડી રહેલા વરસાદને કારણે ૬ મહિના સુધી પાણી ચાલી શકે એટલો સ્ટૉક મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં થઈ ગયો છે. 
તુલસી તળાવ ઓવરફ્લો થઈ ચૂક્યું છે, જ્યારે તાનસામાં ૮૬.૬૬, અપર વૈતરણામાં ૧૯.૨૦, મોડકસાગરમાં ૭૫.૧૭, મધ્ય વૈતરણામાં ૫૬.૨૩, ભાતસામાં ૫૬.૨૩ અને વિહારમાં ૭૫.૮૨ ટકા પાણીનો સ્ટૉક જમા થઈ ગયો છે. આમ કુલ ૪૭.૫૪ ટકા પાણીનો સ્ટૉક જોતાં જો આ જ રીતે વરસાદ પડતો રહે તો બીએમસી દ્વારા જે ૧૦ ટકાનો પાણી-કાપ જાહેર થયો છે એ થોડા દિવસોમાં પાછો ખેંચાય એવી શક્યતા છે. 

mumbai news thane mumbai rains mumbai monsoon