આજે પણ મુંબઈ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં યલો અલર્ટ

14 May, 2024 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પવન ફૂંકાઈને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. હજી એકાદ-બે દિવસ આની અસર જોવા મળી શકે છે

વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર

મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે ફૂંકાયેલા પવ‍ન અને ગાજવીજ સાથેના વરસાદ બદલ માહિતી આપતાં હવામાન ખાતાના મુંબઈ ખાતેના ડિરેક્ટર ડૉ. સુનીલ કાંબળેએ 
‘મિડ-ડે’ને ટેક્નિકલ માહિતી આપતાં કહ્યું હતું કે ‘બે વિરુદ્ધ દિશાના પવનો ઉપરના લેયરમાં સામસામે અથડાતાં થન્ડરસ્ટૉર્મની પરિસ્થિતિ બની છે જેને કારણે હળવા દબાણનો પટ્ટો સર્જાતાં પવન ફૂંકાઈને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. હજી એકાદ-બે દિવસ આની અસર જોવા મળી શકે છે.’  

આજે પણ ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને ગડગડાટ સાથે વરસાદ પડી શકે એવી શક્યતા રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈ દ્વારા દર્શાવવામાં આવી છે. પાલઘર, થાણે, મુંબઈ, રાગયડ અને રત્નાગિરિમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે એટલે ત્યાં યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. એ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ નાશિક, પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી, સોલાપુર, ઔરંગાબાદ, જાલના, બીડ, લાતુર, ઓસ્માનાબાદ, અકોલા, અમરાવતી, ભંડારા, બુલઢાણા, ચંદ્રપુર, વર્ધા, વાશિમ અને યવતમાળમાં પણ આવનારા બેથી ત્રણ દિવસ સુધી ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ તૂટી પડે એવી શક્યતાઓ દર્શાવી ત્યાં પણ યલો અલર્ટ જાહેર કરવામાં આવી હતી. 

mumbai news mumbai mumbai rains Weather Update mumbai weather