ફ્રેન્ડની વાત માની હોત તો યશશ્રી શિંદે બચી જાત

01 August, 2024 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈ પોલીસની તપાસમાં બહાર આવ્યું કે...

યશશ્રી શિંદે

ઉરણની યશશ્રી શિંદેની હત્યાના મામલામાં પોલીસની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોપી દાઉદ શેખ યશશ્રી પર છેલ્લી વખત મળવા માટેનું દબાણ કરતો હતો, પણ પોતે ત્યાં જશે તો ભયંકર પરિણામ આવી શકે છે એમ યશશ્રીની એક ફ્રેન્ડે તેને કહ્યું હતું. જોકે દાઉદ શેખે જો મળવા નહીં આવે તો તેના અંગત ફોટો વાઇરલ કરી દેશે એવી ધમકી આપવાની સાથે તેને બ્લૅકમેઇલ કરી હતી એટલે યશશ્રી ઇચ્છા ન હોવા છતાં દાઉદ શેખને પહેલાં ૨૪ જુલાઈએ જુઈનગર રેલવે-સ્ટેશન પર અને બીજા દિવસે ઉરણમાં મળી હતી. દાઉદ શેખ હત્યા કરવાની તૈયારી સાથે આવ્યો હતો એટલે તેણે ઉરણમાં યશશ્રી મળવા પહોંચી ત્યારે તેની કરપીણ હત્યા કરી હતી.

કર્ણાટકથી ધરપકડ કરવામાં આવેલા દાઉદ શેખને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરીને નવી મુંબઈ પોલીસે સાત દિવસની પોલીસ-કસ્ટડી મેળવી હતી. ખૂબ જ ઘાતકી રીતે યશશ્રી શિંદેની હત્યા કરવામાં આવી છે એટલે આરોપી દાઉદ શેખને તાત્કાલિક ફાંસીની સજા મળવી જોઈએ એવી માગ કરવામાં આવી રહી છે. આથી આ કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.

નવી મુંબઈ પોલીસની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ૨૦૧૯માં યશસ્વી શિંદે સગીર હતી ત્યારે દાઉદે તેની છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ-સ્ટેશનમાં યશશ્રીના પિતાએ નોંધાવી હતી. એ સમયે દાઉદ શેખની ધરપકડ કરીને સજા કરવામાં આવી હતી. દાઉદ શેખે એ સમયે ફરી યશશ્રીના સંપર્કમાં ફરી નહીં આવે કે તેનો સંપર્ક કરવાની કોશિશ નહીં કરે એવી લેખિત બાંયધરી આપી હતી. 

navi mumbai uran mumbai crime news Crime News mumbai police