યશશ્રીનો હત્યારો દાઉદ ધરપકડથી બચવા પાંચ દિવસ પહાડો પર ચડઊતર કરતો રહ્યો

02 August, 2024 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે સતત પાંચ દિવસ પીછો કરીને એક પહાડ નજીકના કર્ણાટકના શાહપુરમાંથી તેને ઝડપ્યો હતો

યશશ્રી શિંદે, દાઉદ શેખ

ઉરણની યશશ્રી શિંદેએ લગ્ન કરવાની ના પાડ્યા બાદ તેની કરપીણ હત્યા કરવાના આરોપસર નવી મુંબઈ પોલીસે દાઉદ શેખની કર્ણાટકના પહાડની તળેટીમાંથી ધરપકડ કરી હતી. યશશ્રીની હત્યા કર્યા બાદ કર્ણાટક ભાગી ગયેલો આરોપી દાઉદ શેખ જાણતો હતો કે મોબાઇલ-નંબરની મદદથી પોલીસ તેના સુધી પહોંચી શકશે. આથી તે સતત પાંચ દિવસ સુધી એકથી બીજા પહાડ પર ચડઊતર કરતો રહ્યો હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી નવી મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ યશશ્રી શિંદેની હત્યા કર્યા બાદ દાઉદ શેખ ઉરણથી તેના વતન કર્ણાટક ભાગી ગયો હતો. અમારી તેના પર નજર હતી અને જુદી-જુદી ટીમોએ એનો પીછો કર્યો હતો. પોલીસથી બચવા દાઉદે કોઈ વાહનનો ઉપયોગ કરવાને બદલે પગપાળા જ એકથી બીજા પહાડ પર ચડઊતર કરી હતી. જોકે અમારી ટીમ તેના સુધી પહોંચી ગઈ હતી અને કર્ણાટકના શાહપુર પાસેના પહાડની તળેટીમાંથી સવારના પાંચ વાગ્યે તેને ઝડપી લીધો હતો. પાંચ દિવસના અથાગ પ્રયાસ બાદ આરોપી દાઉદ શેખ હાથ લાગ્યો હતો.દાઉદના નામનાં બે ટૅટૂ નવી મુંબઈ પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે કે યશશ્રીના શરીર પર દાઉદનું નામ લખેલાં બે ટૅટૂ જોવા મળ્યાં છે. આથી પોલીસ આ ટૅટૂ જેની પાસે કરાવ્યાં હતાં તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

બૅન્ગલોરથી ખરીદ્યાં બે ચાકુ

પોલીસની તપાસમાં એવું પણ જણાઈ આવ્યું છે કે આરોપી દાઉદ શેખે યશશ્રીની હત્યા કરવાનો પ્લાન એક અઠવાડિયા પહેલાં બનાવ્યો હતો અને એ માટે તેણે બૅન્ગલોરમાંથી બે ચાકુ ખરીદ્યાં હતાં. ૨૫ જુલાઈએ યશશ્રી ઉરણમાં મળવા આવી ત્યારે આમાંના એક ચાકુથી હુમલો કરીને તેની કરપીણ હત્યા કરી હતી. હત્યા બાદ યશશ્રીનો મૃતદેહ ફેંકીને દાઉદ શેખ ઉરણથી પનવેલ લોકલ ટ્રેનમાં ગયો હતો. અહીંથી બાદમાં તે બસમાં કર્ણાટક પલાયન થઈ ગયો હતો.

mumbai news mumbai navi mumbai uran Crime News mumbai crime news karnataka mumbai police