વેસ્ટર્ન રેલવે અને વસઈ-વિરાર મહાનગરપાલિકા આમને-સામને

14 September, 2023 12:25 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

સ્થાનિક મહાનગરપાલિકાને સર્વિસ ચાર્જના દોઢ કરોડ રૂપિયા ચૂકવવાના છે, પણ રેલવેએ ઇનકાર કરી દેતાં હવે એને કઈ રીતે રીકવર કરવો એની સુધરાઈને ચિંતા. સામે પક્ષે રેલવેએ પણ કૉર્પોરેશન પાસેથી સાડાચાર કરોડ લેવાના બાકી છે

વેસ્ટર્ન રેલવેના વસઈ રોડ સ્ટેશનની બહાર આવેલાં રેલવેનાં બિલ્ડિંગ્સ

વેસ્ટર્ન રેલવેએ વસઈ-વિરાર મહાનગરપાલિકાને સર્વિસ-ચાર્જ ટૅક્સ પેટે ૧ કરોડ ૩૯ લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. મહાનગરપાલિકાના પ્રયાસો છતાં રેલવેએ આ નાણાં ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે ત્યારે આ પૈસાની વસૂલાત કેવી રીતે કરવી એ પ્રશ્ન મહાનગરપાલિકા સમક્ષ ઊભો થયો છે. એટલે મહાનગરપાલિકા ટૅક્સની રકમ કેવી રીતે વસૂલ કરશે એ જોવાનું રહેશે.

દંડની રકમ કરોડ થઈ

વસઈ-વિરાર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના ટૅક્સ વસૂલવામાં આવે છે. એ પ્રમાણે  નાગરિકો પાસેથી મિલકતવેરો વસૂલ કરવામાં છે, જ્યારે સરકારી કચેરીઓ પાસેથી સર્વિસ-ચાર્જ વસૂલવામાં આવે છે. વેસ્ટર્ન રેલવેના વસઈ રોડ રેલવે સ્ટેશન વિસ્તારમાં કુલ ૧૩ બિલ્ડિંગ છે. આ તમામ બિલ્ડિંગ સ્ટાફ-કૉલોની માટે ઉપયોગમાં લેવામાં આવે છે એથી મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગો પાસેથી સર્વિસ-ચાર્જ વસૂલ્યો હતો. જોકે નાણાકીય વર્ષ ૨૦૦૧-’૦૨થી રેલવેએ સર્વિસ-ટૅક્સ ચૂકવ્યો નથી. એટલે મહાનગરપાલિકાએ તેમના નિયમ મુજબ વાર્ષિક બે ટકા દંડ વસૂલવાનું શરૂ કર્યું હતું. જોકે રેલવેએ આ દંડ ભર્યો નહોતો જેને કારણે દંડની આ રકમ હવે વધીને ૧ કરોડ ૩૯ લાખ ૩૭ હજાર રૂપિયા થઈ છે.

રેલવે પોતાના સ્ટૅન્ડ પર યથાવત્

મહાનગરપાલિકા દંડ કેમ વસૂવલો એ પ્રશ્ન ઉકેલી રહી છે, જ્યારે રેલવેએ સ્ટૅન્ડ લીધું છે કે તેઓ આ સર્વિસ-ચાર્જ નહીં ચૂકવે. રેલવેએ મહાનગરપાલિકાને સ્પષ્ટ કહી દીધું છે કે અમે અન્ય સ્થળોએ સર્વિસ-ચાર્જ ચૂકવતા નથી. એટલે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનને પણ સર્વિસ-ચાર્જ ચૂકવીશું નહીં. વારંવાર નોટિસો આપવા છતાં રેલવેએ પૈસા ચૂકવ્યા નહોતા. એટલે ૨૦૨૨માં વસઈ-વિરાર મહાનગરપાલિકાની વૉર્ડ સમિતિ ‘એચ’ (નવઘર માણિકપુર)એ રેલવેનાં આ તમામ ૧૩ બિલ્ડિંગનાં નળનાં કનેક્શન કાપી નાખ્યાં હતાં અને પાણીપુરવઠો બંધ કરી દીધો હતો. પાણીપુરવઠો બંધ કર્યા બાદ રેલવે રકમ ચૂકવશે એવી અપેક્ષા મહાનગરપાલિકાએ રાખી હતી, પરંતુ રેલવેએ મહાનગરપાલિકાને રકમ ચૂકવવાને બદલે પાણીનાં ટૅન્કરો દ્વારા પાણી મગાવ્યું હતું. ત્યાર બાદ રેલવેએ માત્ર વૉટર ટૅક્સ પેટે ૨ લાખ ૩૫ હજાર રૂપિયા જ ચૂકવ્યા હતા. એ પછી મહાનગરપાલિકાએ નળનાં કનેશન પુનઃ સ્થાપિત કર્યાં હતાં. મહાનગરપાલિકાએ કહ્યું કે જો દંડની રકમ માફ કરીશું તો સર્વિસ-ચાર્જની રકમ ભરવાની રહેશે, પરંતુ આજ સુધી ન તો સર્વિસ-ટૅક્સ ભરાયો છે કે ન તો દંડની રકમ ભરાઈ છે.

મહાનગરપાલિકા શું કહે છે?

વધુ માહિતી આપતાં વસઈ-વિરાર મહાનગરપાલિકાના વૉર્ડ સમિતિ ‘એચ’ના અસિસ્ટન્ટ કમિશનર નીલેશ મ્હાત્રેએ ‘મિડ-ડે’ને માહિતી આપી હતી કે ‘અમે વારંવાર વેસ્ટર્ન રેલવે સાથે પત્રવ્યવહાર કરીને ફૉલોઅપ કરી રહ્યા છીએ. રકમ ચૂકવી રહ્યા ન હોવાથી તેમનું પાણીનું કનેક્શન પણ એક વખત ખંડિત કરવામાં આવ્યું હતું. રેલવે સર્વિસ-ચાર્જ ચૂકવી રહ્યું નથી. તેમના દ્વારા સર્વિસ-ચાર્જ પેટે ૧ કરોડ ૩૯ લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. રેલવે સર્વિસ-ચાર્જ ચૂકવતી ન હોવાથી મહાનગરપાલિકાએ હવે એને અલગ રીતે વસૂલવાનું નક્કી કર્યું છે. મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા રેલવે પાસેથી વિવિધ કામો કરવામાં આવે છે. એના ચાર્જ બાંધકામ વિભાગ દ્વારા રેલવેને ચૂકવવામાં આવે છે. હવે મહાનગરપાલિકાએ બાંધકામ વિભાગ દ્વારા ચૂકવાતી રકમમાંથી સર્વિસ-ચાર્જ કાપવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ સર્વિસ-ચાર્જ હજી સુધી કાપવામાં આવ્યો નથી.’

મહાનગરપાલિકાએ રેલવેને સાડાચાર કરોડ રૂપિયા પણ આપવાના હોવાનું મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું છે.

રેલવેનું શું કહેવું છે?

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર સુમીત ઠાકુરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેલવે એક ગવર્નમેન્ટ ઑથોરિટી છે અને મહાનગરપાલિકા પણ એક ગવર્નમેન્ટ ઑથોરિટી હોવાથી ગવર્નમેન્ટથી ગવર્નમેન્ટ ઑથોરિટીમાં ટૅક્સ આપવામાં આવતા નથી. બીએમસીથી લઈને થાણે, મીરા-ભાઈંદર કે અન્ય કોઈ મહાનગરપાલિકામાં રેલવે ટૅક્સ આપતી નથી તો એક વસઈ-વિરાર મહાનગરપાલિકાને જ કેવી રીતે આપી શકાય. જોકે વસઈ-વિરાર મહાનગરપાલિકાને અમે વૉટર ચાર્જિસ ચૂકવ્યા છે તેમ જ રેલવેના પણ વિવિધ પ્રકારે આશરે ૬ કરોડ રૂપિયા સુધીની રકમ મહાનગરપાલિકા પાસે બાકી છે. જોકે આ વિશે મહાનગરપાલિકા સાથે બેસીને અમે ચર્ચા કરી રહ્યા છીએ.’

western railway vasai vasai virar city municipal corporation brihanmumbai municipal corporation indian railways mumbai mumbai news preeti khuman-thakur