09 July, 2024 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજેશ શાહ
વરલી BMW હિટ ઍન્ડ રન કેસમાં પકડાયેલા રાજેશ શાહ અને ડ્રાઇવર રાજરિશી રાજેન્દ્ર બિડાવતને પોલીસે ગઈ કાલે શિવડી કોર્ટમાં હજાર કર્યા હતા. કોર્ટે રાજેશ શાહને ૧૪ દિવસની જેલ-કસ્ટડી આપી હતી અને ડ્રાઇવર રાજરિશી બિડાવતને એક દિવસની પોલીસ-કસ્ટડી આપી હતી. રાજેશ શાહે ત્યાર બાદ જામીન માટે અરજી કરતાં કોર્ટે તેના જામીન મંજૂર રાખ્યા હતા અને ૧૫,૦૦૦ના કૅશ બૉન્ડ પર તેને છોડવામાં આવ્યો હતો, જ્યારે કેસના મુખ્ય આરોપી રાજેશ શાહના દીકરા મિહિરને પકડવા પોલીસની ૪ ટીમ કામે લાગી છે. તે વિદેશ ન ભાગી જાય એ માટે તેની સામે લુક આઉટ નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી છે.
વરલીના ઍની બેસન્ટ રોડ પર રવિવારે પરોઢિયે ૫.૩૦ વાગ્યે મિહિર શાહે તેની BMW કાર પૂરઝડપે ચલાવી તેની આગળ સ્કૂટી પર જઈ રહેલા વરલી કોલીવાડામાં રહેતાં પ્રદીપ નાખવા અને કાવેરી નાખવાને પાછળથી અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કાવેરી નાખવાનું નિધન થયું હતું, જ્યારે પ્રદીપ નાખવા ઘાયલ થયા હતા. વરલી પોલીસે આ સંદર્ભે ગુનો નોંધ્યો હતો. કાર રાજેશ શાહના નામ પર નોંધાયેલી હોવાથી તેમને અને ડ્રાઇવરે કે જે અકસ્માત વખતે કારમાં હાજર હતો તેની ધરપકડ કરી હતી. પોલીસે મિહિરને નસાડવામાં ભાગ ભજવવા બદલ અને એ ત્રણે સામે સદોષ મનુષ્ય વધ, પરંતુ હત્યાનો ઇરાદો નહીંની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
કોર્ટે ગઈ કાલે નોંધ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ (સદોષ મનુષ્ય વધ, પરંતુ હત્યાનો ઇરાદો નહીં)ની કલમ હેઠળ રાજેશ શાહ સામે ગુનો નોંધી શકાય નહીં. બચાવ પક્ષના વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે જ્યારે અકસ્માત થયો ત્યારે રાજેશ શાહ કાર પણ નહોતા ચલાવી રહ્યા કે ત્યારે ત્યાં હાજર પણ નહોતા.