હિટ ઍન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહને શહાપુર પાસેથી ઝડપી લેવાયો

10 July, 2024 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્રેન્ડે ૧૫ મિનિટ માટે ફોન ચાલુ કર્યો અને પોલીસને લોકેશન મળી ગયું : મારી પત્ની અને દીકરીને પણ પોલીસે તાબામાં લીધાં છે એની મને ગઈ કાલે બપોરે ટીવી પર સમાચાર જોયા બાદ જાણ થઈ - રાજેશ શાહ

મિહિર શાહ અને તેની BMW કાર

વરલી હિટ ઍન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહને ક્રાઇમ બ્રાન્ચ યુનિટ પાંચ, કુર્લાના ઑફિસરો આખરે શહાપુરથી પકડી લાવ્યા છે. પોલીસે સાથે જ તેની મમ્મી ​મિની રાજેશ શાહ અને બે બહેનો પૂજા અને કિંજલ અને તેના પાર્ટનર અને અન્યો એમ કુલ મળીને બીજા ૧૦ જણને તાબામાં લીધાં છે. આ તમામે મિહિરના નાસી જવામાં ભાગ ભજવ્યો હોવાનું પોલીસનું કહેવું છે. એથી હવે તેમની પૂછપરછ બાદ શું કાર્યવાહી કરવી એ નક્કી કરવામાં આવશે. શહાપુરના કિન્હવલી પોલીસ-સ્ટેશનમાં પાંચ આરોપીને રજૂ કરી તેમની નોંધ કરીને ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરો તેમને વરલી લાવ્યા હતા.

પુણેના પૉર્શે-કાંડની જેમ જ ચકચાર જગાડનારા વરલી હિટ ઍન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિરને પકડવા વરલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ઘણીબધી ટીમો અલગ-અલગ ​દિશામાં કામ કરી રહી હતી. રવિવારથી જ મિહિર અને તેના એક ફ્રેન્ડના મોબાઇલ ​સ્વિચ્ડ-ઑફ આવી રહ્યા હતા. પોલીસે તેમના બન્નેના ફોન ટ્રૅક પર મૂક્યા હતા. ગઈ કાલે સવારે ૧૫ મિનિટ માટે તેના ફ્રેન્ડે ફોન ચાલુ કર્યો હતો અને એ ટ્રૅક કરતાં પોલીસને તે શહાપુરમાં હોવાનું જણાઈ આવતાં તરત જ ઍક્શન લીધી હતી અને શહાપુર જઈને તેને ઝડપી લીધો હતો. એની સાથે જ તેની મમ્મી અને બહેન જેમણે તેને છુપાવવામાં મદદ કરી હતી તેમને પણ પોલીસે અટકમાં લીધાં હતાં. પોલીસે તેને નાસવામાં મદદ કરનારા અને છુપાવામાં મદદ કરનારા એમ કુલ મળીને ૧૨ જણને તાબામાં લીધા છે. બે આરોપીઓ અવાદિત સિંગ તેજસિંગ (૨૩ વર્ષ) અને હસન અબ્દુલ વહીત ખાન (૧૯ વર્ષ)ને શહાપુરના ડોળખાંબના બંજારા હિલ્સમાંથી પકડી લેવાયા હતા.

મિહિરના પિતા અને આ કેસના આરોપી રાજેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પત્ની અને દીકરીને પોલીસે તાબામાં લીધાં છે એની મને ટીવી પર સમાચાર જોઈને જાણ થઈ છે. હું સોમવારે મોડી રાતે મારા પાલઘરના ઘરે આવ્યો છું. મારું બ્લડ-પ્રેશર અને શુગર બન્ને સ્ટ્રેસને કારણે વધી ગયાં છે. ડૉક્ટરે મને રેસ્ટ કરવા કહ્યું છે. હું મારી પત્ની અને દીકરીના કૉન્ટૅક્ટમાં નથી.’

તેમને એમ પૂછવામાં આવ્યું કે હવે મિહિર પકડાયો છે ત્યારે તેના માટે સારા વકીલને રોકશો? ત્યારે એ સવાલનો જવાબ તેમણે આપ્યો નહોતો.

રાજેશ શાહ (સત્રા) મૂળ કચ્છના ગુંદાલા ગામના છે અને કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના છે. વર્ષોથી તેમનો પરિવાર પાલઘરમાં સ્થાયી થયો છે. તેમના પિતા દામજીભાઈની પાલઘરમાં સારી શાખ છે અને કરિયાણાની દુકાન છે જે હજી પણ સારી ચાલે છે. રાજેશ શાહે પહેલાં બિલ્ડિંગ મટીરિયલ સપ્લાય કરવાનું કામકાજ શરૂ કર્યું હતું. એ પછી જમીનની લે-વેચ કરી હતી અને પછી કન્સ્ટ્રક્શનમાં પણ ધંધો વધાર્યો છે. એક કચ્છી મોવડીના જણાવ્યા અનુસાર સંતાનોને ઈઝી મની મળે છે ત્યારે તેઓ એની કિંમત સમજતા નથી અને સ્વચ્છંદ થઈ જાય છે અને આ આમાંનો જ કિસ્સો લાગી રહ્યો છે.

આ કેસમાં પકડાયેલા ડ્રાઇવર રાજરિશી બિડાવતને ગઈ કાલે તેની કસ્ટડીની મુદત પૂરી થતાં ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. વરલી પોલીસે તેની કસ્ટડી લંબાવીને માગતાં કોર્ટે ૧૪ જુલાઈ સુધી લંબાવી આપી હતી.

શું બન્યું હતું?

મિહિર શાહે રવિવારે પરોઢિયે ૫.૩૦ વાગ્યે વરલીના એટ્રિયા મૉલ સામે આગળ જઈ રહેલી નાખવા દંપતીની સ્કૂટીને પાછળથી પોતાની BMW કારથી ટક્કર મારી હતી. એને કારણે તે બન્ને તેની કારના બોનેટ પર પટકાયાં હતાં. એ પછી પ્રદીપ નાખવાએ કાર પરથી નીચે જમ્પ મારી દીધો હતો, પણ તેમનાં પત્ની કાવેરી નાખવા એમ કરી શક્યાં નહોતાં. તેમની સાડીનો છેડો કારના વ્હીલમાં ફસાઈ જતાં તેઓ કારની આગળ પટકાયાં હતાં. એ હાલતમાં પણ મિહિરે કાર ન રોકતાં ચલાવ્યે રાખી હતી અને તેમને લાંબે સુધી ઢસડીને લઈ જતાં ગંભીર ઈજા થવાથી તેમનું મોત થયું હતું. 

worli road accident Crime News mumbai crime news mumbai mumbai news