12 July, 2024 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિહિર શાહ
વરલી હિટ ઍન્ડ રન કેસના ગુજરાતી આરોપી મિહિર શાહની કોર્ટમાંથી કસ્ટડી મેળવ્યા બાદ કેવી રીતે ઍક્સિડન્ટ થયો હતો એ જાણવા પોલીસ તેને ઘટનાસ્થળે સ્થળે લઈ હતી. આ સમયે આરોપી મિહિર શાહે કબૂલ્યું હતું કે ‘મારાથી બહુ મોટી ભૂલ થઈ, કરીઅર ખતમ થઈ ગઈ.’ વરલી પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ કસ્ટડી મેળવ્યા બાદ આરોપી મિહિરની ફરી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ગુનો કબૂલી લીધો હતો. જુહુના બારમાં ડ્રિન્ક કર્યા બાદ આરોપીએ તેના ફ્રેન્ડ્સ સાથે મલાડથી બોરીવલી વચ્ચે આવેલી એક હોટેલમાં ફરી નશો કર્યો હતો. બાદમાં તેને લૉન્ગ ડ્રાઇવ પર જવાની ઇચ્છા થતાં તે વરલી તરફ ગયો હતો અને સ્કૂટી પર જઈ રહેલા કપલને ઉડાવતાં મહિલાનું મૃત્યુ થયું હતું.
વરલી પોલીસના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે આરોપી મિહિર શાહે ભલે નશામાં અકસ્માત કર્યો હોવાનું કબૂલ્યું હોય, તે જે કહી રહ્યો છે એ ચકાસવામાં આવશે. જુહુના વાઇસ ગ્લૉબલ તપસ બારમાં મિહિર શાહ અને તેના ત્રણ ફ્રેન્ડ્સે કુલ ૧૨ પેગ વ્હિસ્કી પીધી હતી. બાદમાં તેઓ બોરીવલી તરફ ગયા હતા. આ મામલામાં અત્યાર સુધી આરોપી મિહિરની મમ્મી, બહેન અને ફ્રેન્ડ્સ સહિત ૧૪ લોકોનાં નિવેદનો નોંધવામાં આવ્યાં છે.
પોલીસ અધિકારીએ આગળ કહ્યું હતું કે ‘સ્કૂટીને ટક્કર માર્યા બાદ મહિલા કારના આગળના પૈડા પાસે હોવાની જાણ હોવા છતાં આરોપી મિહિરે કાર રોકી નહોતી. રસ્તામાં જઈ રહેલા લોકો અને સામેની દિશામાં આવી રહેલા કારચાલકોએ કાર રોકવાની બૂમો પાડી હોવા છતાં મિહિરે સાંભળ્યું નહોતું અને મહિલાને દોઢ કિલોમીટર સુધી ઢસડી હતી. નશામાં હોવાને લીધે આરોપી શું કરી રહ્યો છે એની તેને ખબર જ નહોતી રહી.’