જૈન સમાજમાં થયો ૪૧૫ સામુદાયિક શ્રેણીતપનો વિશ્વવિક્રમ

25 October, 2024 03:11 PM IST  |  Mumbai | Alpa Nirmal

વાગડ દેશોદ્ધારક આચાર્ય કલ્પતરુસૂરીશ્વરજી મહારાજસાહેબ તથા આચાર્ય તીર્થભદ્રસૂરીશ્વરજીની નિશ્રામાં ગોરેગામ-વેસ્ટના જવાહરનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના ઉપક્રમે આયોજન

બિયાસણાં કરતા તપસ્વીઓ

વાગડ દેશોદ્ધારક આચાર્ય કલ્પતરુસૂરીશ્વરજી મહારાજસાહેબ તથા આચાર્ય તીર્થભદ્રસૂરીશ્વરજીની નિશ્રામાં ગોરેગામ-વેસ્ટના જવાહરનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના ઉપક્રમે ૧૧ વર્ષની બાળકીથી લઈને ૭૫ વર્ષના વડીલો તથા ૧૭ સાધુ-સાધ્વીજી સહિત ૪૧૫ વ્યક્તિઓએ કર્યું ૧૧૨ દિવસનું અતિકઠિન તપ : રવિવારે ૨૭ ઑક્ટોબરે તેમનાં પારણાં

જૈન તવારીખમાં ગોરેગામમાં થયેલાં ૪૧૫ સામુદાયિક શ્રેણીતપનો ઉલ્લેખ અચૂક થશે, કારણ કે આટલી મોટી સંખ્યામાં એકસાથે આવી દીર્ઘ તેમ જ કઠિન તપસ્યા કયાંય, ક્યારેય નથી થઈ. સળંગ ૧૧૨ દિવસમાં ૮૪ ઉપવાસ અને ૨૮ બિયાસણાં કરવાં એ કાચા-પોચાનું કામ નથી.

જોકે જ્યારે સંકલ્પ, શ્રદ્ધા અને પ્રભુકૃપા એ ત્રણેય તત્ત્વોનું સંયોજન થાય છે ત્યારે કોઈ પણ કઠિન લાગતું કાર્ય શક્ય બની જાય છે એમ જણાવતાં અધ્યાત્મનિષ્ઠ ગચ્છનાયક પ.પૂ. આચાર્ય શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મહારાજસાહેબ ‘મિડ-ડે’ને કહે છે, ‘દરેક તપસ્યામાં કે સાધનામાં ભગવાનના આશીર્વાદથી જ સફળતા પ્રાપ્ત થાય છે. આ તપસ્વીઓને પ્રભુએ જ હાકલ કરી અને એ પ્રભુએ જ તેમની નૈયા પાર ઉતારી.’

જૈનોની તપસ્યા આમેય અતિકઠિન છે. ફક્ત એક ઉપવાસ પણ ૩૬ કલાકનો હોય છે. પહેલા દિવસે સૂર્યાસ્તથી ખોરાક બંધ થાય એ પછી બીજા આખા દિવસે બપોરે ૧૧ વાગ્યાથી સૂર્યાસ્ત સુધી ફક્ત ઉકાળેલું પાણી (અને ચોવિહાર ઉપવાસ હોય તો પાણી પણ નહીં) પીને છેક ત્રીજા દિવસે સવારે સૂર્યોદય બાદ ૫૦ મિનિટ પછી ખોરાક લેવાય છે. ત્યારે શ્રેણીતપના તપસ્વીઓ તો ક્રમબદ્ધ ઉપવાસ-બિયાસણાંની શ્રેણી ચડીને ડિસ્ટિંક્શને પાસ થયા છે. પ્રશાંતમૂર્તિ આચાર્ય શ્રી તીર્થભદ્રસૂરીશ્વજી મ.સા. ‘મિડ-ડે’ને આ તપ વિશે જણાવે છે, ‘શ્રેણીતપ અતિપ્રાચીન અને જૈન તીર્થંકરોએ પ્રરૂપેલાં તપ છે. જેમ-જેમ તપસ્વી ઊંચી-ઊંચી શ્રેણીમાં આગળ વધે છે એમ-એમ તેના હૃદય અને આત્મામાં પણ ધર્મભાવની વૃદ્ધિ થાય છે. આ તપની શરૂઆત પહેલી બારી (ફેઝ)થી થાય છે; જેમાં ૧ ઉપવાસ-૧ બિયાસણું. એ પછી તરત બે ઉપવાસ-૧ બિયાસણું કરો એટલે પહેલી બારી પૂરી થાય. ફરી ૧ ઉપવાસ-૧ બિયાસણું, બે ઉપવાસ-૧ બિયાસણું, ત્રણ ઉપવાસ-૧ બિયાસણું થાય એટલે બીજી બારી પૂરી થાય. આ રીતે દરેક બારી ૧ ઉપવાસથી શરૂ કરીને ૨, ૩, ૪, ૫, ૬ અને અંતે ૭ ઉપવાસ સુધી સોપાન ચડાય એટલે પૂર્ણ શ્રેણીતપ કર્યાં કહેવાય.’

આવા વિરાટ તપનું સામુદાયિક અનુષ્ઠાન કરવાનો વિચાર કેમ આવ્યો? એના ઉત્તરમાં ગચ્છાધિપતિ આચાર્યશ્રી કહે છે, ‘દરેક જૈન સંઘમાં ચાતુર્માસમાં સામુદાયિક રીતે વિવિધ તપસ્યા કરાવાતી હોય છે. જવાહરનગરમાં શ્રેણીતપનું આયોજન ક્યારેય થયું નહોતું. અહીં જૈનોનાં ઘર વધુ છે અને ભાવિકોની સંખ્યા પણ બહોળી છે એટલે વિચાર કર્યો કે શ્રેણીતપ કરાવીએ. સંઘના ટ્રસ્ટીઓએ પણ ઉદારતાપૂર્વક એની સંમતિ આપી અને દાતાઓના સહકારથી તમામ બિયાસણાં સંઘમાં જ થયાં. સારી સંખ્યામાં લોકો જોડાયા અને ઈશ્વરની મહેર કે ફક્ત પાંચેક ટકા લોકોએ અનુકૂળતા ન આવતાં તપ અધૂરાં છોડવાં પડ્યાં. બાકી ૪૧૫ સાધકો અંતિમ સોપાન સુધી પહોંચ્યા.’

ખરેખર આટલી મોટી સંખ્યામાં ભાવિકો ટકી રહ્યા એ પણ ખૂબ અચરજની વાત છે, કારણ કે જનરલી ચાતુર્માસ શરૂ થાય ત્યાંથી પર્યુષણ પર્વ સુધી જૈનોનો ઉત્સાહ સરસ રહે છે, પરંતુ આ તપ તો પર્યુષણ બાદ પણ પૂરા ૫૦ દિવસ ચાલ્યો.

પાંચ સાધુમહારાજ, ૧૨ સાધ્વીજી ભગવંત સહિત ૧૧થી ૨૦ વર્ષના ૧૧, ૨૧થી ૩૦ વર્ષના ૨૦, ૩૧થી ૪૦ વર્ષના ૪૯, ૪૧થી ૫૦ વર્ષના ૧૨૪, ૫૧થી ૬૦ વર્ષના ૧૨૧, ૬૧થી ૭૦ વર્ષની વયના ૬૧ અને ૭૧થી ૭૫ વર્ષના ૧૨ સાધકોએ આ વર્ષની ૭ જુલાઈએ તપ શરૂ કર્યાં હતાં અને રવિવારે ૨૭ ઑક્ટોબરે આ મહાત્માઓનાં પારણાં થશે.

સાત શ્રેણી કેમ?

શ્રેણીતપમાં સાત શ્રેણી કેમ હોય છે? એના ઉત્તરમાં વાગડના વિશાળ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મ.સા. ‘મિડ-ડે’ને કહે છે, ‘જ્ઞાની ભગવંતોએ ૭ મહાભયને નાબૂદ કરવા ૭ શ્રેણી ચડવાનું તપ નિરૂપ્યું છે. આલોક ભય એટલે મનુષ્યને મનુષ્યથી ભય. પરલોક ભય એટલે પશુ, આસુરી શક્તિ, વ્યંતરોનો ભય. આદાન ભય એટલે ચોરીનો ડર. અકસ્માત ભય, આજીવિકાનો ભય, મરણનો તેમ જ બદનામીનો ભય. આ ૭ મહાભયના નિવારણ અર્થે અહીં સાત શ્રેણી રખાઈ છે તેમ જ એના ૮૪ ઉપવાસ, ૮૪ લાખ યોનિમાં જન્મ-મૃત્યુ નિવારવાનો સંદર્ભ ગણાયા છે.’ આચાર્ય મહારાજ આગળ કહે છે, ‘આત્મા પર લાગેલાં ભારે કર્મો રોજ-બરોજના જીવનમાં નડે છે, કારણ વગર અંતરાય કરે છે. એ તપ કરવાથી છૂટે છે. તપથી આત્મદોષ દૂર થઈ આત્માની શુદ્ધિ થાય છે.’

 

jain community goregaon mumbai mumbai news