વેપારીઓનો વિરોધ રંગ લાવ્યો

20 August, 2021 09:16 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મલાડ (ઈસ્ટ)માં સ્કાયવૉકનું કામ તાત્પૂરતું અટકાવી દેવાયું: મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે રિવ્યુ કરાયા પછી નિર્ણય લેવાશે

વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ થોડા દિવસ પહેલાં સ્કાયવૉક બાંધવા સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમની આ મહેનત સફળ રહી હતી.

મલાડ-ઈસ્ટના દફ્તરી રોડથી હાઇવે સુધી સ્કાયવૉક બાંધવા માટે રહેવાસીઓ તેમ જ દુકાનદારો કેટલાય દિવસથી વિરોધ કરી રહ્યા છે. સોમવારે અઢીસોથી પણ વધુ વેપારીઓ તેમ જ આસપાસની સોસાયટીના રહેવાસીઓ સ્કાયવૉક બાંધવા માટે વિરોધ દર્શાવવા હાથમાં બૅનર્સ લઈને અને નારા લગાવીને રસ્તા પર ઊતરી આવ્યા હતા અને આંદોલન કર્યા પછી પણ જો સ્કાયવૉકનું કામ બંધ નહીં થાય તો કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી હતી. જોકે આંદોલન કર્યા પછી ગુરુવારે બપોરે બાર વાગ્યે સ્કાયવૉકનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. 
મલાડ (ઈસ્ટ) વેપારી અસોસિએશનના એક સભ્ય ભાવેશ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કાયવૉક ન બાંધવા માટે અમે વડા પ્રધાનથી લઈને મુખ્ય પ્રધાન સુધી લેટર લખ્યા હતા અને કહ્યું હતું કે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સ્કાયવૉક બાંધવાથી કોઈ અર્થ સરતો નથી. લોકો માટે આ સ્કાયવૉક બિનઉપયોગી છે. સ્કાયવૉકને ન બાંધવા માટે અમે કેટલાય દિવસથી લડી રહ્યા છીએ. પ્રશાસન પાસેથી યોગ્ય પ્રતિસાદ ન સાંપડવાને કારણે સોમવારે અમે લોકોએ ભેગા થઈને વિરોધ-પ્રદર્શન પણ કર્યું હતું. એ પછી પણ સ્કાયવૉકનું કામ ચાલુ હતું. અચાનક ગુરુવારે બપોરે બાર વાગ્યે કૉર્પોરેટર દક્ષા પટેલ અહીં આવ્યાં હતાં અને સ્કાયવૉકનું કામ અટકાવ્યું હતું અને કહ્યું હતું કે આગળથી ઑર્ડર ન મળે ત્યાં સુધી કામ બંધ રહેશે. હાલમાં કામ તો બંધ થઈ ગયું છે, પરંતુ હજીયે મશીનો અને બીજી વસ્તુઓ પડેલી છે. સ્કાયવૉકનું કામ પર્મનન્ટ માટે અટકાવી દે તો સારું થશે.’
લોકો સ્કાયવૉક બાંધવા માટે વિરોધ કરી રહ્યા છે અને તેમના મતે દફ્તરી રોડથી હાઇવે સુધી સ્કાયવૉક બાંધવો ​નિરર્થક છે એ બાબતે તમારું શું કહેવું છે એવો સવાલ ‘મિડ-ડે’એ મ્યુ​નિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલને કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હાલમાં અમે સ્કાયવૉકનું કામ અટકાવી દીધું છે. આવનારા દિવસોમાં અમે રિવ્યુ કરીશું અને એ પછી આગળ નિર્ણય કરીશું. ત્યાં સુધી સ્કાયવૉકના ચાલી રહેલા કામ પર અમે સ્ટે આપ્યો છે.’

Mumbai mumbai news urvi shah-mestry malad