28 November, 2023 10:35 AM IST | Mumbai | Prakash Bambhroliya
હુમલામાં લોહીલુહાણ થયેલો બોરીવલીનો ટીસી રાહુલ શર્મા
રેલવેમાં ખુદાબક્ષો સામે કાર્યવાહી કરવા માટે ટિકિટચેકર કામ કરે છે ત્યારે તેમના પર પ્રવાસીઓ દ્વારા હુમલો કરવાની ઘટના અવારનવાર બને છે. કેટલાક મહિના પહેલાં ચર્ચગેટ-ગોરેગામ લોકલમાં એક યુવતીએ ફર્સ્ટ ક્લાસના ડબામાં મહિલા ટીસીની મારપીટ કરવાની ઘટના તાજી છે ત્યારે આવી જ એક માથાફરેલ યુવતીએ બોરીવલીમાં એક ટીસીની મારપીટ કરીને તેને લોહીલુહાણ કરી દીધો હોવાની ચોંકાવનારી ઘટના રવિવારે બની હતી. આનાથી પણ આઘાતજનક વાત એ છે કે આ સમયે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના જવાનો હાજર હોવા છતાં તેમણે ટીસીને બચાવવાનો કે તેના પર હુમલો કરનારી યુવતી અને તેના મિત્રોને પકડવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. પોલીસના જણાવ્યા મુજબ રવિવારે બપોરના સમયે બોરીવલી રેલવે સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા ટિકિટચેકર (ટીસી) રાહુલ શર્માએ લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબામાંથી ઊતરી રહેલી એક યુવતીને રોકીને તેની પાસેથી ટિકિટ માગી હતી. યુવતીએ ટિકિટ બતાવવાને બદલે ટીસીને ધક્કો માર્યો હતો અને પોતાના મિત્રોને પણ તેના પર હુમલો કરવાનું કહ્યું હતું. આ ઘટનામાં ટીસી રાહુલ શર્માના નાકમાં ઈજા થતાં એમાંથી લોહી વહેવા માંડ્યું હતું. ઝપાઝપીમાં યુવતીના ફ્રેન્ડના ચહેરા પર પણ આવી જ ઈજા થઈ હતી. સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ છે અને લોકો સવાલ કરી રહ્યા છે કે જીઆરપીના જવાનો રેલવેના સ્ટાફનું રક્ષણ નથી કરી શકતા તો પ્રવાસીઓની સુરક્ષા તેઓ કેવી રીતે કરશે?
શું બન્યું હતું?
બોરીવલી રેલવે પોલીસના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટીસી રાહુલ શર્મા રવિવારે બપોરના સ્ટેશન પર ફરજ પર હતો ત્યારે તેણે ટિકિટ ચેક કરતી વખતે એક યુવતી પાસેથી ટિકિટ માગી હતી. યુવતીએ કહ્યું હતું કે તેની ટિકિટ તેના ફ્રેન્ડ પાસે છે અને તે થોડી વારમાં આવશે. ટીસીને તેની વાત અજીબ લાગી હતી એટલે તેને દંડ ભરવા માટે કહ્યું હતું. યુવતી અને ટીસી વચ્ચે દંડ ભરવા બાબતે બોલાચાલી થઈ રહી હતી ત્યારે યુવતીનો ફ્રેન્ડ આવી પહોંચ્યો હતો. બાદમાં બંનેએ ટીસી પર સીધો હુમલો કરી દીધો હતો. ટીસીએ પણ તેનો સામનો કરતાં યુવતીના ફ્રેન્ડના ચહેરા પર મુક્કો મારી દીધો હતો. ટીસીના નાકમાંથી લોહી નીકળવા માંડતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. આવી જ રીતે યુવતીના ફ્રેન્ડના ચહેરા પર પણ થોડી ઈજા થઈ હતી. સમાધાન થઈ જતાં ફરિયાદ નહોતી નોંધાઈ.’