20 December, 2022 09:38 AM IST | Mumbai | Mehul Jethva
પોલીસ અધિકારી અને ટીસીની મારઝૂડ કરનારા આરોપીઓને ગયા અઠવાડિયે કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.
અંબરનાથમાં રહેતી એક મહિલા સેકન્ડ ક્લાસની ટિકિટ પર ફર્સ્ટ ક્લાસના કોચમાં પ્રવાસ કરી રહી હતી. તેને એક મહિલા ટીસીએ પકડીને ફાઇન ભરવાનું કહેતાં આરોપી મહિલાએ પોતાના ભાઈઓને બોલાવીને ટીસીની મારઝૂડ કરી હતી. એ પછી ટીસીએ પોતાની ફરિયાદ ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યાર બાદ ટીસીની ફરિયાદ કેમ નોંધી એમ કહીને ત્રણે આરોપીઓએ ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનના અધિકારીઓની પણ મારઝૂડ કરી હતી. એ પછી ડોમ્બિવલી રેલવે પોલીસે બે અલગ-અલગ ગુના નોંધીને તેમની ધરપકડ કરી હતી.
મુંબઈના સેન્ટ્રલ ડિવિઝનમાં ફરજ બજાવતી મહિલા ટીસી વર્ષા તાયડે ૧૬ ડિસેમ્બરે સાંજે થાણેથી આસનગાંવ જતી ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ફરજ બજાવી રહી હતી ત્યારે તેણે શશી પાંડેને સેકન્ડ ક્લાસની ટિકિટ સાથે પકડી હતી અને ૩૬૫ રૂપિયા ફાઇન ભરવા માટે કહ્યું હતું. શશી પાંડેએ ફાઇન ન ભરતાં ટીસીની મારઝૂડ કરી હતી. એટલું જ નહીં, તેણે ડોમ્બિવલી રેલવે સ્ટેશન પર પોતાના બે ભાઈઓ નીતિન અને સર્વેસ પાંડેને બોલાવીને ટીસીને ધમકી આપી હતી. એ પછી ત્યાં હાજર રેલવે પોલીસે ટીટી વર્ષાની ફરિયાદ પર તેમની ધરપકડ કરી હતી. એનાથી રોષે ભરાઈને ત્રણે આરોપીઓએ ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનમાં વર્ષા તાયડે અને બે અધિકારીઓની મારઝૂડ કરી હતી.
ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનનાં તપાસ અધિકારી અર્ચના દુશાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક મહિલા અને બે પુરુષ આરોપીઓ સામે અમે બે સેપરેટ ગુના નોંધીને તેમની ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસ અધિકારી અને ટીસીની મારઝૂડ કરીને સરકારી કામમાં બાધા નાખી હતી.’