01 December, 2022 09:10 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : દહિસરમાં રહેતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ યુવતી પરિવાર સાથે લોનાવલા જવા માગતી હતી. એ માટે કૅબ બુક કરવા તેણે ગૂગલ પર સર્ચ કર્યું હતું. એમાં તેની એક સાઇબર ગઠિયા સાથે મુલાકાત થવાથી તેણે યુવતીને એક ઍપ્લિકેશન ડાઉનલોડ કરીનો ૧૦૧ રૂપિયાનું પેમેન્ટ કરવાનું કહેતાં તે ગઠિયાની વાતમાં ફસાઈ ગઈ હતી. એમાં તેના અકાઉન્ટમાંથી ૧.૪૯ લાખ રૂપિયા બે ટ્રાન્ઝૅક્શનમાં કપાયા હતા જેની ફરિયાદ તેણે દહિસર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
દહિસર-ઈસ્ટમાં રાવલપાડા વિસ્તારની એક સોસાયટીમાં રહેતી અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી ૨૯ વર્ષની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વર્ષા ડોસાલિયાએ કરેલી ફરિયાદ અનુસાર ૨૦ નવેમ્બરે પરિવાર સાથે લોનાવલા જવા માટે તે કૅબની શોધમાં હતી ત્યારે ૧૯ નવેમ્બરે ગૂગલ પર કૅબ વિશે તપાસ કરતાં એક મોબાઇલ નંબર મળ્યો હતો. એના પર ફોન કરતાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ અમિત વર્મા તરીકે આપીને વર્ષાને કહ્યું કે હું તને એક વેબસાઇટ મોકલું છું, એના પર માહિતી ભરીને માત્ર ૧૦૧ રૂપિયાનું પેમેન્ટ કરી દો. એ પછી વૉટ્સઍપ પર આપેલી લિન્ક ઓપન કરતાં એમાં મહાદેવ કાર રેન્ટલ નામની ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું. એ ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને તમામ માહિતી વર્ષાએ ભરી હતી. એ પછી પેમેન્ટ કરવાનો પ્રયાસ કરતાં એ થયું નહોતું. એટલે ફરી અમિતનો ફરી સંપર્ક કરતાં તેણે કહ્યું કે તમારું પેમેન્ટ હું કરી દઉં છું. એમ કહીને તેણે તમામ માહિતી મોકલવા કહ્યું હતું. એ માહિતી મોકલવાની થોડી જ વારમાં તેના ક્રેડિટ કાર્ડના અકાઉન્ટમાંથી પહેલી વખતમાં ૯૯,૭૬૪ રૂપિયા કપાયા હતા અને બીજા ટ્રાન્ઝૅક્શનમાં ૪૯,૮૮૨ રૂપિયા કપાયા હોવાનો મેસેજ તેને આવ્યો હતો. આમ કુલ ૧,૪૯,૬૪૬ રૂપિયા તેના અકાઉન્ટમાંથી કપાયા હતા. એ પછી પોતાની સાથે થયેલા ફ્રૉડની ફરિયાદ માટે દહિસર પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ૨૯ નવેમ્બરે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
દહિસર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ અમને મળતાં અમે તરત તપાસમાં લાગ્યા હતા. મહિલાના ક્રેડિટ કાર્ડમાંથી કપાયેલા પૈસા ક્રિડ ઍપ્લિકેશનના અકાઉન્ટમાં ગયા હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે.’