શૅર-અ-રિક્ષામાં જબરદસ્તી કિસ કરી રહેલા સાથી-પ્રવાસીથી બચવા મહિલાએ ચાલુ રિક્ષાએ કૂદકો માર્યો

10 May, 2024 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીની આ શૉકિંગ ઘટનામાં CCTV ફુટેજની મદદથી પોલીસે આરોપી અને તેની સાથે સામેલ રિક્ષા-ડ્રાઇવરને પકડી પાડ્યા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રોજ શૅર-અ-રિક્ષામાં ઑફિસ જતી બોરીવલીની યુવતીને બુધવારે ખૂબ જ ભયાનક અનુભવ થયો હતો. રિક્ષાવાળાના જ સાગરીતે સહપ્રવાસી બનીને તેની છેડતી કરતાં તેણે ડ્રાઇવરને રિક્ષા થોભાવવા કહ્યું, પણ જ્યારે ડ્રાઇવરે રિક્ષા ન થોભાવી ત્યારે આખરે તેણે જીવની પરવા ન કરતાં ચાલુ રિક્ષામાંથી રસ્તા પર ઝંપલાવી દીધું હતું જેને કારણે તે જખમી થઈ હતી,. નસીબ જોગે તેની ઈજાઓ ગંભીર નહોતી. આ બાબતે બોરીવલી સ્ટેશનમાં ફ​રિયાદ કરવામાં આવતાં પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસી આખરે તે રિક્ષા-ડ્રાઇવર અને યુવતીની છેડતી કરનાર તેના સાગરીતને ઝડપી લીધા છે.

બોરીવલી પોલીસના જણાવ્યા અનુસાર  છેડતીની આ ઘટના બુધવારે સવારે બોરીવલી-વેસ્ટના પોઇસર પાસે બની હતી. યુવતીએ પોઇસર પાસેથી ઑફિસ જવા શૅર-અ-રિક્ષા પકડી હતી. તે જેવી રિક્ષામાં બેઠી કે બીજા બે પૅસેન્જર પણ તેની પાસે આવીને ગોઠવાઈ ગયા હતા. રિક્ષા ચાલુ થયા બાદ તેની બાજુમાં બેસેલા પૅસેન્જરે તેને અણછાજતી રીતે સ્પર્શ કરવાનું ચાલુ કર્યું હતું એટલે તે ચેતી ગઈ હતી અને તેણે તરત જ રિક્ષા-ડ્રાઇવરને રિક્ષા રોકવા કહ્યું હતું. જોકે રિક્ષા-ડ્રાઇવરે રિક્ષા રોકી નહોતી. તેની બાજુમાં બેસેલા પૅસેન્જરે તેની છેડતી કરવાનું ચાલુ રાખ્યું અને આગળ વધી તેણે તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની એ હરકતોથી બચવા આખરે યુવતીએ જીવની પરવા ન કરતાં ચાલુ રિક્ષાએ જ બહાર ઝંપલાવી દીધું હતું.

રિક્ષા-ડ્રાઇવરને જાણ હતી કે યુવતી રિક્ષામાંથી કૂદી પડી છે એમ છતાં તેણે રિક્ષા રોકી નહોતી અને તેને વાગ્યું છે કે કેમ તેની પૃચ્છા ન કરતાં રિક્ષા ભગાવી ગયો હતો. ઘટનાની જાણ કોઈએ પોલીસને કરતાં પોલીસની વૅન ત્યાં પહોંચી ગઈ હતી અને યુવતીને હૉસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં તેની સારવાર થયા બાદ પોલીસે તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું અને આરોપીઓને શોધવા ટીમ બનાવી હતી.

પોલીસની ટીમે ઘટનાસ્થળે જઈ તપાસ કરી હતી અને ત્યાંથી મેળવેલાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસતાં રિક્ષાનો નંબર મ‍ળ્યો હતો અને એના આધારે ૩૨ વર્ષના રિક્ષા-ડ્રાઇવર સંજીવ રામની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરીને તેના સાગરીત અને યુવતીની છેડતી કરનારા ૪૦ વર્ષના ધીરજ કુમાર તિવારીને પણ ઝડપી લેવાયો હતો. આમ બોરીવલી પોલીસે સવારે થયેલી છેડતીની ઘટનાના બન્ને આરોપીઓને બુધવારે જ ઝડપી લીધા હતા.

બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર નિનાદ સાવંતે આ બદલ માહિતી આપતાં કહ્યું હતું કે ‘બન્ને આરોપીઓને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને એક દિવસની પોલીસ-કસ્ટડી આપી છે. તેમણે જે રીતે એ ક્રાઇમ કર્યો છે એ જોતાં એ પ્રી-પ્લાન હોઈ શકે એવું લાગી રહ્યું છે. હવે તેમની પૂછપરછમાં એ વિશેની ચોક્કસ માહિતી અમને મળી શકશે.’  

mumbai news mumbai borivali Crime News mumbai crime news