midday

૧૫ વર્ષથી લગ્નનું વચન આપીને છેતરતા પ્રેમીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત

04 March, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણ તાલુકા પોલીસે આ સંદર્ભે પ્રેમી અને તેનાં ભાઈ-બહેનની મહિલાને આત્મહત્યા કરવા મજબૂર કરવાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ટિટવાલામાં રહેતી એક મહિલાને છેલ્લાં પંદર વર્ષથી તેનો પ્રેમી લગ્નનો વાયદો કર્યા કરતો હતો. પ્રેમીના પરિવારને પણ એની જાણ હતી. પાંચ વર્ષ પહેલાં પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં હોવા છતાં આ મહિલા સાથે પણ સંબંધ ચાલુ રાખ્યા હતા. આખરે આટલાં વર્ષો બાદ પણ લગ્નને બદલે ફક્ત બહાનાં જ મળતાં કંટાળેલી મહિલાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. કલ્યાણ તાલુકા પોલીસે આ સંદર્ભે પ્રેમી અને તેનાં ભાઈ-બહેનની મહિલાને આત્મહત્યા કરવા મજબૂર કરવાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.

કલ્યાણ તાલુકા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુરેશ કદમે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ઉલ્હાસનગરમાં રહેતો આરોપી પ્રેમી ટિટવાલામાં રહેતી મહિલાના ઘરે આવતો-જતો હતો અને કહ્યા કરતો હતો કે તે લગ્ન કરશે, પણ કોઈ ને કોઈ બહાનું બતાવીને લગ્ન કરતો નહોતો એટલે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. પ્રેમીનાં ભાઈ-બહેન પણ આ બધું જાણતાં હતાં. ૨૮ ફેબ્રુઆરીએ મહિલા અને તેના પ્રેમી વચ્ચે ફરી એક વાર આ બાબતે ઝઘડો થયો હતો. પ્રેમીનાં સતત બહાનાંથી કંટાળીને આખરે મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે આત્મહત્યા કરતાં પહેલાં તેણે મોબાઇલમાં વિડિયો રેકૉર્ડ કર્યો હતો અને પ્રેમી અને તેનાં ભાઈ-બહેનને તેના આ પગલા માટે જવાબદાર ગણાવ્યાં હતાં. મહિલાના આ વિડિયો અને તેની માતાએ આ બાબતે ફરિયાદ નોંધાવતાં પ્રેમી અને તેનાં ભાઈ-અને બહેનની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે.’  

relationships suicide kalyan mumbai police news mumbai mumbai news crime news mumbai crime news