05 September, 2024 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મલાડના ગુડિયાપાડા વિસ્તારમાં મંગળવારે રાતે એક મોંઘીદાટ કારે ૨૬ વર્ષની શહાના કાઝી નામની યુવતીને અડફટે લેતાં તેનું મૃત્યુ થયું હતું. આ મામલે મલાડ પોલીસે કારના ડ્રાઇવર અનુપ સિંહા સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરીને કાર જપ્ત કરી હતી. મંગળવારે રાતે થયેલા અકસ્માત બાદ ભેગા થયેલા ટોળાએ કારમાં તોડફોડ કરીને અનુપની પણ મારઝૂડ કરી હતી. એ સમયે અનુપે નશો કર્યો હતો કે કેમ એ જાણવા માટે પોલીસે તેની મેડિકલ ટેસ્ટ કરી છે.
શહાના કાઝી મંગળવારે રાતે મેંદીના ક્લાસ પૂરા કરીને ઘરે જઈ રહી હતી એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ મલાડના ગુડિયાપાડા વિસ્તારમાંથી ચાલતી ઘરે જઈ રહેલી શહાનાને પાછળથી પૂરપાટ વેગે આવી રહેલી કારે ટક્કર મારી હતી. એમાં બેભાન થઈ ગયેલી શહાનાને અનુપ પોતે જ નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જોકે ત્યાં ઇલાજ દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ મામલે અમે અનુપ સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે.’