હાઇવે પર વિચિત્ર અકસ્માતમાં ઓઢણી ટાયરમાં ફસાઈ જતાં મહિલાનું થયું મૃત્યુ

23 August, 2023 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરનાર પ્રતિભા ખાનગી કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી

પ્રતિભા અને બાઇક

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ટૂ-વ્હીલર પર બેઠેલી એક મહિલાએ વિચિ‌ત્ર રીતે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. એમાં મહિલાના ગળામાંનો દુપટ્ટો ટૂ-વ્હીલરમાં ફસાઈ જતાં એ ગળામાં વીંટળાઈ જવાથી થયેલા અકસ્માતમાં ૨૭ વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું. મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર બાપાણે પુલ પર રવિવારે મોડી સાંજે બનેલા આ અકસ્માતમાં મહિલાનું મૃત્યુ થયું હતું અને તેના પતિનો બચાવ થયો હતો. નાયગાંવ પોલીસે જણાવ્યું હતું કે મહિલાનો દુપટ્ટો બાઇકના ટાયરમાં ફસાઈ ગયો હતો અને પછી તેના ગળામાં ફસાઈ જતાં તે નીચે પડી ગઈ અને તેનું વિચિત્ર પ્રકારે મૃત્યુ થયું હતું.

કાંદિવલીની ઈરાનીવાડીમાં ૩૩ વર્ષનો મનીષ યાદવ અને ૨૭ વર્ષની તેની પત્ની પ્રતિભા યાદવ રહે છે. રવિવારે રજાનો દિવસ હોવાથી બન્નેએ વસઈમાં આવેલા તુંગારેશ્વર મંદિરે દર્શન કરવા જવાનું નક્કી કર્યું હતું. પ્રતિભાએ તેની ઑફિસના એક પરિચિત પાસે બાઇક માગી હતી. રવિવારે સાંજે પતિ-પત્ની તુંગારેશ્વર આવ્યાં હતાં. તેઓ દર્શન કરીને પાછાં કાંદિવલી જઈ રહ્યાં હતાં ત્યારે લગભગ સાડાઆઠ વાગ્યે નાયગાંવ પોલીસ સ્ટેશનની હદમાં હાઇવે પર આવેલા બાપાણે પુલ પર પ્રતિભા અચાનક ચાલતી બાઇક પરથી નીચે પડી ગઈ હતી. નીચે પડતાં તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. એથી તેને તાત્કાલિક નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ એ પહેલાં જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. મરનાર પ્રતિભાના ગળામાં તેના ડ્રેસનો દુપટ્ટો હતો. આ દુપટ્ટો બાઇકના ટાયરમાં પહેલાં ગયો અને એ ગળામાં ફસાતાં તેને ફાંસ લાગી ગઈ હતી, જેથી તે નીચે પડી ગઈ હોવાની શક્યતા છે. નાયગાંવ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર બલરામ પાલકરે જણાવ્યું કે મહિલાના દુપટ્ટાને કારણે તેના ગળા પર નિશાન જોવા મળ્યા હતા. મરનાર પ્રતિભા ખાનગી કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી.

ખાડાને કારણે જુદા-જુદા અકસ્માતમાં બે યુવતીનાં મોત

ખાડાને કારણે ટૂ-વ્હીલર અકસ્માતમાં ૧૮ વર્ષની યુવતીનું મૃત્યુ થયું છે. આ સંદર્ભે પેલ્હાર પોલીસે ટૂ-વ્હીલર ચલાવી રહેલા યુવક સામે ગુનો નોંધ્યો છે. એક સપ્તાહમાં ખાડાને કારણે મોતની આ બીજી ઘટના છે. સોનાલી સિન્હા નામની યુવતી નાલાસોપારા-ઈસ્ટમાં રહે છે. ૮ ઑગસ્ટે રાત્રે તે તેના મિત્ર આકાશ ગડમની સાથે બાઈક પર નાલાસોપારા ફાટાથી નાલાસોપારા રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી. સોનાલી તેની બાઇક પર પાછળ બેઠી હતી. મુંબઈ-અમદાવાદ હાઇવે નજીક વાકનપાડા ખાતે શાલીમાર હોટેલની સામે ખાડાને કારણે ટૂ-વ્હીલર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાછળ બેઠેલી સોનાલીને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે મુંબઈની સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. પેલ્હાર પોલીસે ટૂ-વ્હીલર ચલાવતા તેના મિત્ર આકાશ ગડમ વિરુદ્ધ બેદરકારીથી મૃત્યુ થવા બદલ કેસ નોંધ્યો છે. બે દિવસ અગાઉ હાઇવે પર બાપાણે પુલ પાસે ૨૮ વર્ષની મહિલા પૂજા ગુપ્તાનું ટૂ-વ્હીલર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મલાડ-વેસ્ટમાં વૃંદાવન અપાર્ટમેન્ટમાં રહેતી પૂજા ગુપ્તા ૯ ઑગસ્ટે વસઈમાં રહેતી બહેનનો જન્મદિવસ હોવાથી આવી હતી. બાઇક પર વસઈના વાલિવ જવા નીકળી ત્યારે દિયર દીપકની પલ્સર બાઇક પર પાછળ બેઠી હતી. રાતે ૯ વાગ્યાના સુમારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર બાપાણે પુલ પરથી ઊતરતી વખતે તેમની બાઇક રોડ વચ્ચેના ખાડામાં અથડાઈ હતી. પૂજા પડી જવાથી માથામાં ગંભીર ઈજા થઈ હતી. વસઈની હૉસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસથી તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ શુક્રવારે રાતે પૂજાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. 

road accident national highway ahmedabad mumbai mumbai news kandivli