ઝડપી ટ્રેનો દ્વારા પશ્ચિમ રેલવેને મળશે વીજળી

19 May, 2023 08:46 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

રેલવેએ પાટા પર મૂકેલાં ટર્બાઇનથી પવન ઊર્જાનું વીજળીમાં રૂપાંતર કરવામાં આવશે

ખાર સ્ટેશન પાસે સ્થાપવામાં આવેલું વિન્ડ ટર્બાઇન.


મુંબઈ : પશ્ચિમ રેલવેએ ઝડપી લોકલ ટ્રેનોમાંથી પાવર જનરેટ કરવા માટે એક અનોખી પદ્ધતિનો અમલ કર્યો છે. એક સિનિયર ઑફિસરે જણાવ્યું હતું કે ‘આ અનોખી પદ્ધતિમાં પસાર થતી ટ્રેનોની ઝડપ અને વેગ દ્વારા ટર્બાઇન્સને ઊર્જા મળશે. 2KVA આઉટપુટ આપવામાં સક્ષમ એવી આ પદ્ધતિ ખાર તથા નાયગાંવ સ્ટેશન પર કાર્યરત થઈ રહી છે.’ 
રેલવેએ વ્યૂહાત્મક રીતે પાટા પર વિન્ડ ટર્બાઇન મૂક્યાં છે જે બ્લેડને ફેરવવા અને પવન ઊર્જાને વીજળીમાં રૂપાંતરિત કરવા માટે ટ્રેનો દ્વારા ઉત્પન્ન થતા પવનના ઝાપટાનો ઉપયોગ કરે છે.
અધિકારીએ વધુમાં સમજાવ્યું હતું કે ‘ટ્રેનો સામાન્ય રીતે ૫૦-૧૦૦ કિલોમીટર/કલાકની ઝડપે દોડે છે જેમાં ઘણીબધી પવન ઊર્જા ઉત્પન્ન થાય છે. હવે ચાલતી ટ્રેનોનો ઉપયોગ સૂચિત વિન્ડ ટર્બાઇનની બ્લેડને ફેરવવા માટે કરી શકાશે. આમાં ઉપયોગમાં લેવાતી ટર્બાઇન વર્ટિકલ ઍક્સિસ વિન્ડ ટર્બાઇન છે જેમાં ૪૦૦ વૉટની ક્ષમતા છે. કુલ પાંચ ટર્બાઇન છે અને બે કિલોવૉટ સોલર પાવર પૅનલ દ્વારા પૂરક છે. એ એકસાથે નોંધપાત્ર 2KW આઉટપુટ પ્રદાન કરી શકે છે.’
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ સાથે પશ્ચિમ રેલવે અન્ય પહેલો અપનાવી રહી છે, જે પ્રદૂષણને કાબૂમાં રાખવામાં તેમ જ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરે છે.

mumbai news western railway