વિસર્જિત નથી થઈ એ મૂર્તિઓનું હવે શું?

14 February, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને રાહત માગે એવી શક્યતા

બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ નંબર ચારના ગણેશોત્સવ મંડળની મૂર્તિને મહાવીરનગરના એક મંડપમાં પોલીસની દેખરેખમાં રાખવામાં આવી છે.

કાંદિવલીચા શ્રીની મૂર્તિને વિસર્જન કર્યા વિના મહાવીરનગરમાં મંગળવારે મોડી રાતે ૨ વાગ્યે પાછી લાવવામાં આવી હતી ત્યારે મૂર્તિ પર સમુદ્રનું પાણી છાંટીને વિસર્જનની વિધિ કરવામાં આવી હતી અને હજારો ગણેશભક્તોએ બાપ્પાની આરતી કરી હતી.

ચારકોપચા રાજાના મંડળે તો મૂર્તિ અજાણ્યા સ્થળે મૂકી દીધી, પણ કાંદિવલીચા શ્રીના મંડળે ગણરાયાની મૂર્તિને પૅક કરીને મૂકી દેવાનું નક્કી કર્યું ઃ બોરીવલીના એક ગણપતિને પણ કાંદિવલીચા શ્રીની સાથે રાખ્યા છે, પણ યોગ્ય વ્યવસ્થા થયા બાદ જ મૂર્તિનું વિસર્જન કરવાની મંડળની તૈયારી છે

માઘી ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિ દરિયા કે તળાવમાં વિસર્જન ન કરવા દેવાતાં કાંદિવલીચા શ્રી સાર્વજનિક ગણેશોત્સવ મંડળની મૂર્તિની વિસર્જનયાત્રા મંગળવારે મોડી રાતે કાંદિવલી-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલા એકતાનગર સુધી લઈ જવામાં આવી હતી. અહીં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિસર્જનયાત્રામાં હજારો ભક્તો હતા એટલે આગળ જવામાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મૂર્તિને રાતે બે વાગ્યે મહાવીરનગરમાં પાછી લાવવામાં આવી હતી.

આ વિશે કાંદિવલીચા શ્રી સાર્વજનિક ગણેશોત્સવ મંડળના પદાધિકારી સાગર બામલોણીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંડપમાંથી મૂર્તિનું ઉત્થાપન કર્યા બાદ એને ફરી સ્થાપિત ન કરી શકાય એટલે અમે રાતે બે વાગ્યે મહાવીરનગરમાં બાપ્પાની સામૂહિક આરતી કરી હતી અને સમુદ્રમાંથી લાવવામાં આવેલા પાણીથી મૂર્તિની વિસર્જનની વિધિ પૂરી કરી હતી. મૂર્તિને દરિયા કે કુદરતી તળાવમાં વિસર્જન કરવાની મંજૂરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે મૂર્તિને પૅક કરીને અમારી પ્રાઇવેટ જગ્યાએ રાખીશું.’

કેટલાંક સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ બોરીવલી-ઈસ્ટમાં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં PoPની મોટી મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું, પણ તેમને નૅશનલ પાર્કના ગેટને કારણે ઊંચી મૂર્તિઓને અંદર લઈ જવામાં મુશ્કેલી પડી હોવાનું જાણવા મળ્યું હતું.

કાંદિવલીચા શ્રી ગણપતિની મૂર્તિના મંડપમાં ગઈ કાલે બોરીવલીના કાર્ટર રોડ નંબર ચારના ગણપતિની બાવીસ ફુટ ઊંચી મૂર્તિ પણ જોવા મળી હતી. મંડળના પદાધિકારીએ કહ્યું હતું કે ‘મહાવીરનગરમાં મોટું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે એમાં મૂર્તિનું વિસર્જન થઈ શકશે એવું BMCના અધિકારીએ તેમને કહ્યું હતું એટલે તેઓ મૂર્તિ કાંદિવલીના ગાવઠણ પાસે લઈ આવ્યા હતા. જોકે આ કૃત્રિમ તળાવમાં પાણી ઓછું હતું અને મૂર્તિ એમાં પૂરેપૂરી વિસર્જિત થઈ શકે એમ નહોતી એટલે તેમણે મૂર્તિને વિસર્જિત નહોતી કરી અને અમારી મૂર્તિની સાથે ગ્રાઉન્ડ પર રાખી છે. વ્યવસ્થા થયા બાદ તેઓ મૂર્તિનું વિસર્જન કરશે.’

કાંદિવલીચા શ્રી ગણેશોત્સવ મંડળની પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિને સમુદ્ર કે કુદરતી તળાવમાં વિસર્જન કરવા ન દેવાતાં આ મૂર્તિને મહાવીરનગરમાં આવેલા કદમનગરના મંડપમાં ઢાંકીને મૂકવામાં આવી છે. તસવીરો ઃ નિમેશ દવે

PoP મૂર્તિના મુદ્દે રાજ્ય સરકાર સુપ્રીમમાં જશે

માઘી ગણેશોત્સવમાં PoPની મૂર્તિને દરિયા કે તળાવમાં વિસર્જન ન કરવા દેવાના આદેશનું પાલન કરવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિતની મહાનગરપાલિકાને આપ્યો હોવાથી મુંબઈ સહિતની તમામ મહાનગરપાલિકાના ક્ષેત્રમાં માઘી ગણેશોત્સવ દરમ્યાન PoPની મૂર્તિ વિસર્જિત કરવા દેવામાં નહોતી આવી. આને લીધે મૂર્તિકારોએ અને ગણેશોત્સવ મંડળોએ નારાજગી વ્યક્ત કરી છે. આ મુદ્દો મંગળવારે રાજ્ય સરકારની કૅબિનેટની બેઠકમાં પણ ગાજ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અને રાજ્યના કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે કહ્યું હતું કે BMC હાઈ કોર્ટનો આદેશ હોવા છતાં મસ્જિદ પરના લાઉડસ્પીકર દૂર નથી કરતી અને ગણેશોત્સવમાં પ્રતિબંધનો અમલ કરાવે છે એ બરાબર નથી. આશિષ શેલાર સહિત કૅબિનેટના બીજા પ્રધાનોએ પણ બૉમ્બે હાઈ કોર્ટે જે આદેશ આપ્યો છે એને સુપ્રીમ કોર્ટમાં પડકારવો જોઈએ એવો મત વ્યક્ત કર્યો છે. જોકે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હાઈ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીને આ બાબતનો નિર્ણય લેવામાં આવશે એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે.

mumbai news mumbai ganpati ganesh chaturthi brihanmumbai municipal corporation maharashtra news supreme court festivals