14 February, 2023 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરે મિલ્ક કૉલોનીમાં પશુ અંદરના રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હોવાની મોટરચાલકોને ચેતવણી આપતું સાઇનબોર્ડ.
આરે મિલ્ક કૉલોનીમાં સ્પીડબ્રેકર્સના અભાવે વન્યસૃષ્ટિ સામે સંકટ ઊભું થયું હોવાના ‘મિડ-ડે’ના અહેવાલને પગલે સુધરાઈએ આ મામલે કાર્યવાહી આદરી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના રોડ વિભાગ (પી-સાઉથ વૉર્ડ)ના અસિસ્ટન્ટ એન્જિનિયર રાજેશ યાદવે જણાવ્યું હતું કે ‘સંબંધિત અધિકારીઓને રિપેરિંગ ચાલી રહ્યું છે એવા અંદરના રસ્તાઓ પર સ્પીડબ્રેકર્સ મૂકવામાં આવે એ સુનિશ્ચિત કરવાની તાકીદ કરાઈ છે. અમે કેટલાક વિસ્તારોમાં સ્પીડબ્રેકર્સ મૂક્યાં છે અને વન્યપશુઓ પસાર થતાં હોય એવા જંગલના વિસ્તારોમાંથી પસાર થતી વખતે કાર ધીમે હંકારવાની વિનંતી કરતાં પોસ્ટર્સ પણ મૂકીશું.’
સુધરાઈએ કૉલોનીના અંદરના રસ્તાઓ પર લોકોને વન્યપશુઓ માર્ગ પરથી પસાર થતાં હોવાની ચેતવણી આપતાં બૅનર્સ અને સાઇનબોર્ડ્સ ગોઠવવાનું શરૂ કરી દીધું છે. આવા ઘણા પટ્ટા પરની સ્ટ્રીટલાઇટ્સ પણ કામ નથી કરતી, જેને કારણે પશુઓની સાથે-સાથે રાહદારીઓ સાથે અકસ્માત સર્જાવાની શક્યતા વધી જાય છે.
આરેમાં સ્પીડબ્રેકર બનાવવા માટે ઘણી જગ્યાએ રસ્તા પર માર્કિંગ કરવામાં આવ્યું છે.
આરે મિલ્ક કૉલોનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) સમગ્ર કામગીરીની દેખરેખ રાખે છે અને સ્ટ્રીટલાઇટ્સની જાળવણી કરે છે. સીઈઓની ઑફિસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘હું પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના સંબંધિત અધિકારીઓ સાથે વાત કરીશ અને અંદરના રસ્તાઓ પરની બંધ સ્ટ્રીટલાઇટ્સ વહેલી તકે ચાલુ થાય એ અમે સુનિશ્ચિત કરીશું.’