દિવાળીના બેથી ત્રણ દિવસ ફૂટતા ફટાકડા પર નિયંત્રણ મૂકવાથી હવા સારી થઈ જશે?

12 November, 2023 07:35 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

આ સવાલ પૂછી રહ્યા છે લોકો. તેમનું કહેવું છે કે વર્ષોથી આપણે દારૂખાનું ફોડતા આવ્યા હોવાથી એના પર સમયની પાબંદી લાવવાને બદલે પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. આ સિવાય મોટા પ્રમાણમાં થઈ રહેલાં બાંધકામો તથા વાહનો દ્વારા ફેલાવવામાં..

ફાઈલ ફોટો

મુંબઈ ઃ દિલ્હીની જેમ છેલ્લા કેટલાક સમયથી મુંબઈની હવાની ક્વૉલિટી ખરાબ થઈ ગઈ છે ત્યારે કેટલાક લોકોએ મુંબઈમાં પૉલ્યુશન ફેલાવનારાઓ સામે પગલાં લેવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. હાઈ કોર્ટે બીએમસીને બાંધકામ દ્વારા થઈ રહેલા પૉલ્યુશનને નિયંત્રણ લાવવા માટેના નિર્દેશ જારી કર્યા છે. આ સિવાય દિવાળી હોવાથી પહેલાં ત્રણ અને ત્યાર બાદ શુક્રવારે માત્ર બે કલાક જ ફટાકડા ફોડવાનું કહ્યું છે. 

પ્રકાશના પર્વ દિવાળીમાં ફટાકડા વર્ષોથી ફોડતા આવ્યા હોવાથી એના પર બંધન આવતા અમુક લોકો એવો સવાલ કરી રહ્યાં છે કે માત્ર ફટાકડા નહીં ફોડવાથી હવા શુદ્ધ થઈ જશે? ફટાકડા ફોડવા પર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકવાનું હોય તો ફટાકડા બનાવનારી કંપનીઓ નિયમોનું પાલન નથી કરતી એનું શું? તેઓ નક્કી કરાયેલા ડેસિબલથી વધારે અવાજ કરતા અને વધુ ધુમાડો ફેલાવતા ફટાકડા બનાવે છે એના પર કેમ કોઈ ધ્યાન નથી આપતું? પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કેમ કાર્યવાહી નથી થતી? બાંધકામની સાઇટ પર નિયમોનું પાલન થાય છે કે નહીં એ કોણ જુએ છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામથી થઈ રહેલા પૉલ્યુશનનું શું? વાહનોના ઇંધણને લીધે પ્રદુષણ ફેલાઈ રહ્યું છે એના માટે કોણ જવાબદાર? 

લોકો ઉદાસીન
છેલ્લા કેટલાક સમયથી મુંબઈને પ્લાસ્ટિક-ફ્રી બનાવવા માટેની ઝુંબેશ ચલાવી રહેલા પર્યાવરણવાદી રિશી અગ્રવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળીના બે-ત્રણ જ ફટાકડા ફોડવામાં આવે છે, પણ પૉલ્યુશન બારેય મહિના ફેલાય છે. આપણી આસપાસ દરરોજ હજારો જગ્યાએ કચરો સળગાવાય છે. વાયરને સળગાવીને એમાંથી કૉપર કે બીજી ધાતુ કાઢવામાં આવે છે. આવી રીતે આગ લગાવવાથી મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાય છે અને પર્યાવરણને ભારે નુકસાન થાય છે. આપણામાંથી કોઈ આ માટે જાગૃત નથી. ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મૅચ હોય કે બૉલીવુડનું કોઈ ફંક્શન હોય તો હજારોની સંખ્યામાં લોકો પહોંચી જાય છે અને ભારે ઉત્સાહ બતાવે છે, પણ આ જ લોકો જ્યારે પર્યાવરણની વાત આવે છે ત્યારે કંઈ બોલતા કે કરતા નથી.’

સરકારની નીતિ પણ જવાબદાર
મુંબઈની હવા દિલ્હીની જેમ ખરાબ થવા માટે સરકારી નીતિ પણ જવાબદાર છે એ વિશે રિશી અગ્રવાલે કહ્યું હતું કે ‘મુંબઈમાં પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચે મોનોરેલ શરૂ કરવામાં આવી હતી ત્યારે અમે મુંબઈમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાની ઝુંબેશ ચલાવી હતી. આટલા મોટા મુંબઈમાં મોનોરેલ કોઈ રીતે વાયેબલ ન હોવા છતાં એ શરૂ કરવામાં આવી હતી. આની સામે બેસ્ટે ચારેક હજાર ઈ-બસ ખરીદી હોત તો મુંબઈગરાઓ ખુશી-ખુશી આવી આરામદાયક બસોમાં પ્રવાસ કરવા પ્રેરિત થાત. તેમણે પ્રાઇવેટ વાહનો ખરીદવાની જરૂર ન રહેત અને ટ્રાફિકની સમસ્યા પણ ઊભી ન થાત. આથી મારા મતે સરકારી નીતિ બરાબર નથી એટલે મુંબઈનું પર્યાવરણ ખરાબ થયું છે.’

નિયમોનું ઉલ્લંઘન
ફટાકડાનું ઉત્પાદન કે બાંધકામ કરવા માટે પર્યાવરણને નુકસાન ન થાય એવા નિયમો બનાવવામાં આવ્યા છે. મોટા ભાગના લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું જણાઈ આવે છે. અમુક ડેસિબલથી વધુ અવાજ કરતા કે વધુ પ્રમાણમાં ધુમાડો ફેલાવતા ફટાકડાનું ઉત્પાદન કરનારાઓ સામે કોઈ પગલાં નથી લેતું તો ફટાકડા ફોડનારાઓને જ પર્યાવરણનું નુકસાન કરવા માટે શા માટે જવાબદાર ગણાવાય છે? 

આ બાબતો પણ જવાબદાર
મુંબઈમાં દસ વર્ષ પહેલાં જૂજ સરકારી કે પ્રાઇવેટ બાંધકામ ચાલતાં હતાં એની સામે આજે શહેરના ૨૪ વૉર્ડમાં સેંકડોની સંખ્યામાં નવાં બાંધકામો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ ચાલી રહ્યાં છે. એમાં પણ મોટા ભાગનાં કામોમાં નિયમોનું પાલન નથી કરાતું. બીજું, એક દાયકા પહેલાં મુંબઈમાં ઍર-કન્ડિશનર હતાં એની સામે અત્યારે ૧૦૦થી ૨૦૦ ટકા વધુ ઍર-કન્ડિશનર છે. એક ઘર કે ઑફિસમાં બે-ત્રણ ઍર-કન્ડિશનર મોટા ભાગે ૨૪ કલાક ચાલી રહ્યાં છે. આ કાર્બન ડાયોક્સાઇડ હવામાં ફેલાય છે એટલે એની ક્વૉલિટી ખરાબ થઈ રહી છે.
હિન્દુ તહેવારોમાં જ પર્યાવરણ ખરાબ થાય છે?

નાગદેવીમાં બેરિંગ્સનો વ્યવસાય કરતા ઉમેશ દુબલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળી, હોળી કે નવરાત્રિમાં જ પર્યાવરણને નુકસાન થતું હોવાની ફરિયાદો કરવામાં આવે છે. બીજા દિવસોમાં શું મુંબઈમાં હવાની ક્વૉલિટી સારી હોય છે? હું પૉલ્યુશન વધે એનું સમર્થન નથી કરતો, પણ હિન્દુઓના તહેવારમાં જ પૉલ્યુશન બધાને નજરે પડે છે. આ બાબતે સરકાર, કોર્ટ અને પર્યાવરણવાદીઓએ વિચારવું જોઈએ. દિવાળી પ્રકાશ અને ફટાકડાનો ઉત્સવ છે એટલે એના વિના આ તહેવારની કોઈ મજા જ નથી રહેતી.’

mumbai news maharashtra news diwali