પુત્ર સામે પ્રચાર કરીશ, પણ EDની તપાસ અયોગ્ય

13 April, 2024 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદેની શિવસેનાના સંસદસભ્ય ગજાનન કીર્તિકરે આખરે મૌન તોડ્યું

ગજાનન કીર્તિકર

મુંબઈ નૉર્થ વેસ્ટ બેઠકના એકનાથ શિંદે જૂથના સંસદસભ્ય ગજાનન કીર્તિકર આ વખતે ચૂંટણી નથી લડવાના, પણ તેમનો પુત્ર અમોલ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથમાંથી આ બેઠકમાં ચૂંટણી લડી રહ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કોરોના મહામારી વખતે બહારગામના મજૂરોને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું એમાં ભ્રષ્ટાચાર કરવાનો તેની સામે આરોપ છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) આ મામલાની તપાસ કરી રહી છે. બે દિવસ પહેલાં અમોલ કીર્તિકરની EDની ઑફિસમાં ૭ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પુત્ર સામે EDની તપાસથી પોતે ખુશ ન હોવાનું ગઈ કાલે તેમણે જાહેરમાં કહીને બતાવ્યું હતું. ગજાનન કીર્તિકરે ગુરુવારે રાત્રે ગોરેગામમાં એક પ્રચારસભામાં કહ્યું હતું કે ‘શિવસેનામાં મને ૫૭ વર્ષ થયાં, પણ મેં ક્યારેય કપટ નથી કર્યું. અગાઉ જાહેર કર્યા મુજબ પુત્ર અમોલ સામે હું પ્રચાર કરીશ, પણ તેની સામે ચાલી રહેલી EDની તપાસમાં કંઈ નથી મળવાનું. ખીચડી સ્કૅમમાં કંઈ હાથ લાગવાનું નથી. EDના અધિકારીએ જ ખાનગીમાં આ વાત કબૂલ કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ વખતે ૪૦૦ પારનું સૂત્ર આપ્યું છે. તેઓ ૪૦૦ બેઠકને બદલે આખી સંસદ તાબામાં લે એની સામે કોઈ વાંધો નથી, પણ તેમણે વિરોધીઓનું સન્માન જાળવવું જોઈએ. વિરોધીઓની પાછળ કેન્દ્રીય તપાસયંત્રણા લગાડવી એ BJPની નવી સંસ્કૃતિ છે.’

આ વિશે BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગજાનન કીર્તિકરનું નામ લીધા વિના કહ્યું હતું કે ‘અમારા કરતાં કૉન્ગ્રેસના સમયમાં EDની સૌથી વધુ કાર્યવાહી થઈ હતી. પી. ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહપ્રધાન હતા ત્યારે અનેક કાર્યવાહી થઈ હતી. કેન્દ્રીય યંત્રણા કાર્યવાહી કરે છે, BJP નથી કરતી. મહાવિકાસ આઘાડી સરકારના કાળમાં અમારી પણ તપાસ થઈ હતી.’ 

Lok Sabha Election 2024 eknath shinde mumbai news shiv sena mumbai bharatiya janata party