04 November, 2023 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુશાંત સિંહ રાજપૂત
મુંબઈ ઃ મરાઠા આંદોલન વખતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છત્તીસગઢમાં ચૂંટણીપ્રચાર માટે ગયા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા તેમની ટીકા કરવામાં આવી હતી. મનોજ જરાંગે પાટીલના અનશન ખતમ નહોતા થયા એ પહેલાં ઉદ્ધવ ઠાકરે કુટુંબ દેહરાદૂન ફરવા માટે ગયું હોવાનો દાવો કરીને નીતેશ રાણેએ સવાલ કર્યો છે કે અનશન દરમ્યાન ચૂંટણીનો પ્રચાર ન કરી શકાય તો ફરવા પણ કેવી રીતે જવાય? અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ટૂંક સમયમાં જ ઉદ્ધવ ઠાકરે જૂથના મોટા નેતા સામે કાર્યવાહી થવાની આગાહી પણ નીતેશ રાણેએ ગઈ કાલે કરી હતી. તેમનો ઇશારો આદિત્ય ઠાકરે તરફ હોવાનું કહેવાય છે.
નીતેશ રાણેએ ગઈ કાલે ટ્વીટ કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે પરિવાર ગુરુવારે બપોરે એક વાગ્યે દેહરાદૂન ફરવા માટે એક પ્રાઇવેટ વિમાનમાં રવાના થયો હતો. આ જ તમારી મરાઠા આરક્ષણની કાળજી? જરાંગે પાટીલના અનશન પૂરા થાય ત્યાં સુધી તમે રોકાઈ ન શક્યા? દેવેન્દ્ર ફડણવીસ છત્તીસગઢ કામ માટે ગયા હતા, કુટુંબ સાથે ફરવા નહોતા ગયા. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પ્રકરણમાં ટૂંક સમયમાં બેબી પેન્ગ્વિનની ધરપકડ થશે.’
ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલાં બૉલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. એના થોડા દિવસ પહેલાં તેની મૅનેજર દિશા સાલિયને પણ આત્મહત્યા કરી હતી. આ બંને આત્મહત્યાના મામલા સાથે આદિત્ય ઠાકરે સંકળાયેલા હોવાનો દાવો નીતેશ રાણેએ કર્યો છે. આ મામલાની ફરી તપાસ કરવા માટેની એક અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી છે ત્યારે આ મામલામાં ટૂંક સમયમાં કાર્યવાહી થવાનો દાવો નીતેશ રાણેએ કર્યો છે.
ફાઇવસ્ટાર હોટેલ પ્રકરણમાં રવીન્દ્ર વાયકર સામે ઈડીએ ફરિયાદ નોંધી
રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્ય રવીન્દ્ર વાયકર અને તેમનાં પત્ની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું હતું. જોગેશ્વરીમાં આવેલી સુપ્રીમો ક્લબની જગ્યામાં ગેરકાયદે ફાઇવસ્ટાર હોટેલ બાંધવા બદલ આર્થિક ગુનાશાખાએ બે મહિના પહેલાં ફરિયાદ નોંધી હતી. આ જ મામલામાં હવે ઈડીએ પણ ફરિયાદ નોંધી છે. બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ દાવો કર્યો હતો કે જુલાઈ ૨૦૨૧માં તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ૫૦૦ કરોડ રૂપિયાની કિંમતના નાનાં બાળકોના રમવા માટેના બે લાખ ચોરસફીટના મેદાનને રવીન્દ્ર વાયકરને ફાઇવસ્ટાર હોટેલ બનાવવા માટે ગેરકાયદે રીતે ફાળવ્યું હતું. આ મામલામાં બે મહિના પહેલાં બીએમસીના અધિકારી સંતોષ માંડવકરે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં રવીન્દ્ર વાયકર, તેમનાં પત્ની મનીષા વાયકર, તેમના પાર્ટનર નેહલનાઈ, રાજ લાલચંદાની, પૃથ્વીપાલ બિન્દ્રા અને આર્કિટેક્ટ અરુણ દુબે સામે ફરિયાદ નોંધાવી હતી.
મનોજ જરાંગે પાટીલની તબિયત કથળી
મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેની માગણી સાથે નવ દિવસથી અનશન કરનારા મનોજ જરાંગે પાટીલે ગુરુવારે ઉપવાસ છોડ્યા હતા. જોકે નવ દિવસના ઉપવાસથી નબળાઈ વર્તાતી હતી એટલે તેને છત્રપતિ સંભાજીનગર ખાતેની ગૅલૅક્સી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગઈ કાલે સવારે તેને ચક્કર આવવાની સાથે ઊલટી થઈ હતી. ડૉક્ટરોએ આ સંબંધી સારવાર શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં તબિયતમાં સુધારો થવાનું કહ્યું હતું. મનોજ જરાંગે પાટીલે નવ દિવસ સુધી અનાજ ગ્રહણ નથી કર્યું એટલે તેની કિડની અને લિવર પર અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.