ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં દીપડો કેવી રીતે પહોંચી ગયો?

01 April, 2024 07:39 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

વસઈ કિલ્લા નજીક લેપર્ડ દેખાયો એટલે વાઇલ્ડલાઇફના રિસર્ચરો મૂંઝવણમાં

એક્સપર્ટ‍્સ તપાસ કરી રહ્યા છે કે દીપડો પકડાયા વિના કિલ્લામાં કેવી રીતે ગયો. (હનીફ પટેલ) અને બીજા ફોટામાં વૉલન્ટિયર્સ અને વન-અધિકારીઓ જ્યાં દીપડો દેખાયો હતો એ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે.

તાજેતરમાં વસઈ કિલ્લાની નજીક દીપડો દેખાતાં વાઇલ્ડલાઇફ રિસર્ચર્સ અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે, કારણ કે વસઈની સૌથી નજીકનું જંગલ તુંગારેશ્વર વન્યજીવન અભયારણ્ય આશરે ૧૬ કિલોમીટર દૂર છે અને એની વચ્ચે ગીચ વસ્તી ધરાવતો એરિયા છે એટલે દીપડો કઈ રીતે અહીં સુધી પહોંચ્યો એ કુતૂહલનો વિષય છે.

શુક્રવારે પહેલી વખત દીપડાને જોનાર ડોનલ્ડ ગૉન્સાલ્વિસે કહ્યું હતું કે ‘શુક્રવારે રાતે ૮.૩૦ વાગ્યાની આસપાસ હું મારી વાઇફ અને બે બાળકો સાથે બાઇક પર વસઈ કિલ્લાથી પાછો ફરી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી એક બાઇક મોટી બિલાડી જેવા કોઈ પ્રાણી સાથે અથડાઈ એમાં તે બાઇકસવાર નીચે પડ્યો. હું નજીક ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે મોટી બિલાડી જેવું લાગતું પ્રાણી ખરેખર દીપડો હતો. મારા પૂર્વજો અને પરિવારના લોકો આ એરિયામાં ૧૫૦ વર્ષ કરતાં વધુ સમયથી રહે છે, પરંતુ ક્યારેય કોઈએ દીપડો જોયો નથી એને કારણે મારી વાત કોઈએ ગંભીરતાથી લીધી નહોતી. બાદમાં મેં રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (RFO) એસ. આર. અદે મૅડમનો સંપર્ક કર્યો. વનવિભાગનો સ્ટાફ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ઘટનાસ્થળે આવ્યો અને મૅન્ગ્રોવ્ઝ ફૉરેસ્ટ પૅચમાં દીપડાના પગમાર્ક ડિસ્કવર કર્યા. વનવિભાગના કર્મચારીઓ અને એક NGOના વૉલન્ટિયર્સે લગાવેલા બે કૅમેરા તપાસતાં દીપડાની પુષ્ટિ થઈ હતી.’

વન-અધિકારીઓએ પગમાર્ક્સ જોયા બાદ દીપડો હોવાની પુષ્ટિ કરી છે.

NGO વાઇલ્ડલાઇફ વેલ્ફેર અસોસિએશન (WWA)ના રોહિત મોહિતે અને તેમના વૉલન્ટિયર્સની ટીમે લાઇવ કૅમેરાની સાથે આ વિસ્તારમાં કૅમેરા-ટ્રૅપ લગાવ્યાં છે. વનવિભાગના અધિકારીઓ અથડામણને કારણે દીપડાને કોઈ ઈજા થઈ છે કે નહીં એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેઓ એને સુરક્ષિત પકડવાની વ્યૂહરચના બનાવી શકે. આ વિસ્તારમાં પહેલી વખત દીપડો દેખાયો હોવાથી વનવિભાગના અધિકારીઓ દીપડો દેખાય ત્યારે શું કરવું અને શું ન કરવું એ ​વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે.

આઇ-વિટનેસ ડોનલ્ડ ગૉન્સાલ્વિસ, જેણે બાઇક ચલાવતી વખતે દીપડાને જોયો હતો.

વનવિભાગનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે દીપડો રવિવારે વહેલી સવારે લગાવવામાં આવેલા એક ​વિડિયો-કૅમેરામાં દેખાયો હતો અને એવું લાગે છે કે હવે એ લંગડાતો નથી.

mumbai news mumbai vasai