04 May, 2023 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : ૨૪ વર્ષની મહિલા અને તેના પ્રેમીએ મહિલાના પતિની હત્યા કરીને તેની લાશ થાણેના પહાડી વિસ્તારમાં ફેંકી દીધી હતી. ૨૪ એપ્રિલે નાશિક-મુંબઈ હાઇવેના કસારા ઘાટની ખીણમાં, એક મંદિર પાછળ એક અજ્ઞાત વ્યક્તિને સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસની તપાસ ટીમે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો, જેમાં તેની ઓળખ ડોમ્બિવલીના ચોલેગાંવના શાકભાજી વિક્રેતા સુનીલ કોથેરે તરીકે થઈ હતી. તપાસ બાદ પોલીસે સુનીલની પત્ની કોમલ કોથેરે અને તેના પ્રેમી મોનુકુમાર ખારવર (૨૮ વર્ષ)ની ધરપકડ કરી હતી. મોનુકુમાર પણ શાકભાજી વિક્રેતા છે.
પોલીસના જણાવ્યા અનુસાર સુનીલને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને આ મુદ્દે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બાદમાં મહિલાએ તેના પ્રેમી અને તેના સાથી સાથે મળીને તેના પતિની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. ત્રણેએ કથિત રીતે સુનીલની ૧૨ અને ૧૩ એપ્રિલની મધરાતેએ લોખંડના સળિયાથી ફટકારીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેમણે લાશને ટેમ્પોમાં ડોમ્બિવલીથી લઈ જઈને ખીણમાં ફેંકી દીધી હતી. તપાસ બાદ પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૨ (હત્યા), ૨૦૧ (ગુનાના પુરાવા ગાયબ કરવા) અને ૩૪ (સામાન્ય હેતુ) હેઠળ કેસ નોંધ્યો હતો. સાથીદારને પકડવાના પ્રયાસ ચાલુ છે.