12 February, 2024 09:55 AM IST | Mumbai | Dipti Singh
પ્રતીકાત્મક તસવીર
એક એનજીઓની આરટીઆઇમાં ખુલાસો થયો છે કે શહેરની ૨૬૧ નૉન-સ્ટેટ બોર્ડ શાળાઓ અને બીએમસી શિક્ષણ વિભાગ અંતર્ગત ૪૧૫ અસહકારી ખાનગી શાળાઓમાં મહારાષ્ટ્ર એમ્પ્લૉઈઝ ઑફ પ્રાઇવેટ સ્કૂલ સ્ટાફ (એમઈપીએસ) અધિનિયમ ૧૯૮૧ અને બીએમસી ગ્રાન્ટ-ઇન-એઇડ કોડનું ઉલ્લંઘન થયું છે. તેઓ તેમના ટીચિંગ (પ્રિન્સિપાલ અને ટીચર) અને નૉનટીચિંગ સ્ટાફને સિક્યૉર કરવામાં નિષ્ફળ ગયા છે.
ફરિયાદના આધારે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ઑફ પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એમએસસીપીસીઆર) દ્વારા મુંબઈ ડેપ્યુટી ડિરેક્ટર ઑફ એજ્યુકેશનને પત્ર લખી પગલાં લેવાની માગ કરવામાં આવી છે. ફરિયાદી અને મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યાર્થી, પાલક, શિક્ષક મહાસંઘ એનજીઓના પ્રમુખ નીતિન દળવીએ ભારપૂર્વક કહ્યું હતું કે નો સ્ટેટ બોર્ડ સ્કૂલોને એમઈપીએસ અધિનિયમ ૧૯૮૧ લાગુ પડે છે. ખાનગી અસહકારી પ્રાથમિક સ્કૂલના કેસમાં બીએમસી ગ્રાન્ટ-ઇન-એઇડ કોડ લાગુ પડે છે. એમઈપીએસ અને બીએમસી ગ્રાન્ટ ઇન એઇડ કોડ મુજબ સ્કૂલ મૅનેજમેન્ટે અરજી કરવી જોઈએ અને ટીચર, હેડમાસ્ટર / પ્રિન્સિપાલની પોસ્ટ માટે વ્યક્તિગત મંજૂરી લેવી જોઈએ.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં નીતિન દળવીએ કહ્યું હતું કે ‘મને મળેલા બે આરટીઆઇના જવાબો પ્રમાણે નૉન-સ્ટેટ બોર્ડ સ્કૂલ અને અન્ય ખાનગી અસહકારી પ્રાઇમરી સ્કૂલ માટે શિક્ષકો અને પ્રિન્સિપાલની વ્યક્તિગત મંજૂરી વિના જ નિમણૂકનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્કૂલ સંચાલકોના આવા સંચાલનને પગલે શિક્ષણના સ્તરમાં ઘટાડો થયો છે. સાથે જ આ વાતને સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને બીએમસી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જેવા અધિકારીઓ દ્વારા ખૂબ હળવાશથી લેવામાં આવી છે.’
નીતિન દળવીએ વધુમાં કહ્યું હતું કે આરટીઆઇના જવાબના પગલે અમે વિવિધ અધિકારીઓને મળ્યા, પણ માત્ર એમએસસીપીસીઆર દ્વારા આ વાતને ધ્યાનમાં લેવામાં આવી. તેમણે મુંબઈ ડેપ્યુટી ડિરેક્ટર ઑફ એજ્યુકેશનને એક નોટિસ પાઠવી ૨૬૧ નૉન-સ્ટેટ બોર્ડ સ્કૂલ્સ (આઇસીએસઈ, સીબીએસઈ અને આઇબી સ્કૂલ્સ) માટે રિપોર્ટ કરવા માગ કરી છે. આ ઉપરાંત અમે ૪૧૫ અસહકારી ખાનગી સ્કૂલો માટે આરટીઆઇમાં મળેલી ચિંતા વિશે એમએસસીપીસીઆરને જાણ કરી હતી. નીતિન દળવીએ ઇન્સ્પેક્શન પ્રોસેસમાં થતા આંખ આડા કાનના પરિણામે શિક્ષણની ઘટતી ગુણવત્તા પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી હતી.