કાંદિવલીની પ્લે-સ્કૂલની એ બે ટીચરની અરેસ્ટ હજી કેમ નથી કરાઈ?

08 April, 2023 07:53 AM IST  |  Mumbai | Diwakar Sharma

કાંદિવલી પ્રી-સ્કૂલના કેસમાં પોલીસે કોઈ ધરપકડ કરી નથી. એના બે શિક્ષકો પર ત્યાંનાં બાળકો પર હુમલા કરવા બદલ જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.

પ્લેસ્કૂલમાં બાળકોની મારપીટ કરતી ટીચરનું સીસીટીવી કૅમેરામાં કૅપ્ચર થયેલું ફુટેજ


મુંબઈ : કાંદિવલી પ્રી-સ્કૂલના કેસમાં પોલીસે કોઈ ધરપકડ કરી નથી. એના બે શિક્ષકો પર ત્યાંનાં બાળકો પર હુમલા કરવા બદલ જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.
અહીંના બાળકોની મમ્મીઓએ આક્ષેપ કર્યો હતો કે પરિસરમાં યોગ્ય સ્વચ્છતા જાળવવામાં આવતી નહોતી. મોટા ભાગના પ્રી-સ્કૂલર્સ બીમાર પડ્યા હતા અને તેમને હાઈ-ગ્રેડ તાવ, થ્રૉટ ઇન્ફેક્શન વગેરે સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક બાળકીને તાજેતરમાં આઇસીયુમાંથી રજા આપવામાં આવી હતી.
૩૫ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (સીએ)એ રાઇમ્સ ઍન્ડ રમ્બલ્સ પ્લેગ્રુપના શિક્ષકો જિનલ છેડા અને ભક્તિ શાહ વિરુદ્ધ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવ્યો હતો, કારણ કે એકથી વધુ સીસીટીવી કૅમેરા ફુટેજમાં તેમનાં કારનામાંનો પર્દાફાશ થયો હતો. સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જાન્યુઆરી અને માર્ચ વચ્ચેનાં જ મેળવી શકાયાં છે છતાં મોટા ભાગના વાલીઓ માને છે કે આરોપી શિક્ષકો જાન્યુઆરી પહેલાં પણ તેમનાં બાળકોની મારપીટ કરતાં હતાં.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં ફરિયાદીના વકીલ ઍડ્વોકેટ મૃણમયી ચૌકીદારે કહ્યું કે ‘આ શિક્ષકો; જિનલ અને ભક્તિ ઘણી વાર પ્લે-સ્કૂલમાં બાળકોની મારપીટ કરતાં હતાં. જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટની કલમ ૭૫ અને ૨૩ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવ્યો હોવા છતાં પોલીસે કોઈની ધરપકડ કરી નથી.’
એક મમ્મી આશ્ચર્ય સાથે જણાવ્યું હતું કે ‘કાંદિવલી પોલીસને ધરપકડ ન કરવા વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે આરોપી શિક્ષકોએ આગોતરા જામીન માટે અરજી કરી છે. પોલીસને ઇલેક્ટ્રૉનિક પુરાવા આપ્યા હોવા છતાં શિક્ષકોને જવા કઈ રીતે દઈ શકે?’
તાજેતરમાં ખોલવામાં આવેલી પ્લે-સ્કૂલમાં લગભગ ૩૦ પ્રી-સ્કૂલર્સે ઍડ્મિશન લીધું હતું, જ્યાં વાલીઓએ ૬ મહિના માટેના ૨૮,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. ‘મિડ-ડે’એ પ્રી-સ્કૂલર્સનાં સંખ્યાબંધ માતાપિતા સાથે વાત કરી હતી અને એમાંથી મોટા ભાગના લોકોએ તેમનાં બાળકોના શરીરમાં ઈજાનાં નિશાન અને ચાંઠાં જોયાં હતાં. 
અઢી વર્ષની પુત્રીની મમ્મીએ જણાવ્યું હતું કે ‘મેં મારા બાળકના શરીર પર નિશાન જોયાં હતાં, પરંતુ મેં જ્યારે જિનલને એ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેનો બીજા બાળક સાથે ઝઘડો થયો હશે અને એને કારણે ઈજા થઈ હશે. જોકે મારા બાળકની વર્તણૂકમાં ઘણા ફેરફાર મેં માર્ક કર્યા. મારી દીકરી ખૂબ આક્રમક બની ગઈ હતી. અમે તેની આદત સુધારવાનો પ્રયત્ન કરતાં ત્યારે તે પોતાની આંગળી (તર્જની) બતાવતી. તે ખૂબ જ અસામાન્ય વર્તન હતું જે તે પ્રી-સ્કૂલમાં શીખી હતી. તે ઘણી વખત પોતાની જમવાની ડિશ ફેંકતી હતી.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘મને જાણવા મળ્યું છે કે શિક્ષકો બાળકોને વૉશરૂમમાં જવાને લઈને મારપીટ કરતાં હતાં. આને કારણે મારી દીકરી એટલી ડરી ગઈ હતી કે તે વૉશરૂમમાં જવાને બદલે ઊભી રહીને જ કપડાં ગંદા કરતી હતી. આ અમારા માટે ડરાવનારું હતું.’
પેરન્ટ્સ વચ્ચે બાળકોના જુદા વર્તન વિશે ચર્ચા થતી હતી એવામાં, એક દિવસ પ્લે-સ્કૂલના માલિકે જિનલ અને ભક્તિને પરિસરમાં બાળકો સાથે મારપીટ કરતાં જોયાં.
વિડિયો સ્કૅન કર્યા બાદ માલિકે એ બાળકોની માતાઓનો સંપર્ક કર્યો, જેમાં તેઓ બાળકોને સીસીટીવી કૅમેરા ફુટેજમાં શિક્ષકો ક્રૂર રીતે મારતાં દેખાઈ રહ્યાં હતાં. જોકે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તેમને માટે ઘૃણાસ્પદ હતા છતાં તેઓ શાંત રહ્યા અને આરોપી શિક્ષકો સાથે મીટિંગ બોલાવી હતી.
એક માતાએ કહ્યું કે જ્યારે અમે જિનલ અને ભક્તિને પૂછ્યું કે તમે શા માટે મારપીટ કરો છો તેઓ તેઓ એક પણ શબ્દ ન બોલ્યાં.
ઍડ્વોકેટ ચૌકીદારે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘મોટા ભાગનાં બાળકો માત્ર શિક્ષકો દ્વારા થતા આવા ક્રૂર હુમલાને કારણે પ્લે-સ્કૂલ જતાં ડરે છે. બાળકોને સારસંભાળની આવશ્યકતા હોય છે, પરંતુ આરોપી શિક્ષક બાળકોનાં ગળાં ખેંચતા, દાંત પીસતા, હાથ વડે જમીન પર ખેંચતાં, થપ્પડ મારતાં, નાક દબાવતાં જોવા મળ્યાં છે.’ 
ફિઝિયોથેરપિસ્ટ માતાએ કહ્યું કે ‘આ બાળકોના મોટા ભાગના પેરન્ટ્સ પ્રોફેશનલ્સ છે, જેઓ પોતાના કામમાં ખૂંપેલા હોય છે. આવી ઘટનાઓ અમને વ્યથિત કરે છે.’
ઝોનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) અજય કુમાર બંસલે કહ્યું કે ‘આ કેસમાં તાત્કાલિક ધરપકડની જરૂર નથી. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ આરોપીઓને એવા કેસમાં નોટિસ આપવાની જરૂર હોય છે, જેની સજા ૭ વર્ષથી ઓછી હોય. એથી પ્રક્રિયાને અનુસરીને અમે બન્ને આરોપીઓને ૪૧એ (સીઆરપીસી) નોટિસ આપી છે. અમારી તપાસ ચાલી રહી છે.’

mumbai news kandivli diwakar sharma Education