દહેશત કે ગેરસમજ? કાયદેસર માન્યતા હોવા છતાં ૨,૦૦૦ની નોટ અમાન્ય કેમ?

31 May, 2023 08:30 AM IST  |  Mumbai | Rohit Parikh

રિઝર્વ બૅન્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ૨,૦૦૦ની નોટ ૩૦ સપ્ટેમ્બર પછી પણ કાયદેસર ચલણી નોટ જ કહેવાશે. આમ છતાં મોટા ભાગના લોકો અત્યારથી જ આર્થિક વ્યવહારોમાં એકબીજા પાસેથી આ પિન્ક કરન્સી લેવાની ધરાર ના પાડતા હોવાથી ઊભી થઈ મૂંઝવણ

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કે શુક્રવાર, ૧૯ મેથી ચલણમાંથી ૨,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વર્તમાન નોટો જેમની પાસે ચલણમાં  હોય તેઓ મંગળવાર ૨૩ મેથી ૩૦ સપ્ટેમ્બર સુધી તેમના બૅન્કના ખાતામાં જમા કરી શકે છે અથવા બદલી શકે છે. આ સિવાય મંગળવાર, ૮ નવેમ્બરના ડીમૉનેટાઇઝેશન જેવી અરાજકતાના ભયથી કેન્દ્રએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિના પછી ૨,૦૦૦ રૂપિયાના મૂલ્યની તમામ નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે અને વ્યવહારો માટે એનો ઉપયોગ કરવામાં આવશે. રિઝર્વ બૅન્કે પણ આ હકીકત પર ભાર મૂક્યો હતો કે ૨,૦૦૦ રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે વ્યક્તિ રોજિંદા જીવનમાં ૨,૦૦૦ રૂપિયાની નોટનો ઉપયોગ સામાન અને સેવાઓ ખરીદવા માટે કરી શકે છે.

જોકે આ જાહેરાતના દિવસથી આમ જનતામાં ભયંકર દહેશત ફેલાયેલી હોય એવી પ્રતીતિ થયા વગર રહેતી નથી. આજે નાણાકીય વ્યવહારમાં લોકો ૨,૦૦૦ રૂપિયાની નોટની આપ-લે કરતા અચકાઈ રહ્યા છે. બૅન્કોમાં પણ ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે અને ખાતામાં ભરવા માટે પોતપોતાના કાયદા અને નિયમો અપનાવાય છે જેને કારણે લોકોને પણ ડર રહે છે કે ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલાવવા જતાં ક્યાંક તેઓ કાયદાની આંટીઘૂંટીમાં તો ફસાઈ નહીં જાયને.

અમે લઈએ છીએ, બીજા નથી લેતા

મુલુંડ (વેસ્ટ)ના ગુજરાતી હોટેલિયર મનોજભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિઝર્વ બૅન્કે ૨,૦૦૦ નોટ બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારથી લોકોમાં ભય ફેલાયો છે. એને કારણે અનેક દુકાનદારો અને વેન્ડરો ૨,૦૦૦ રૂપિયાની નોટ લેતાં અચકાય છે. મારી હોટેલમાં મારા સ્ટાફને સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન છે કે કોઈ પણ ગ્રાહક ૨,૦૦૦ રૂપિયાની નોટ લઈને આવે તો એને સ્વીકારી લેવાની. જોકે નવાઈની વાત એ છે કે હું દવાની એક દુકાનમાં દવા લેવા ગયો ત્યારે દુકાનદારે ૨,૦૦૦ રૂપિયાની નોટ લેવાનો ઇનકાર કરી દીધો હતો. અમારા વેન્ડરો પણ અમારી પાસેથી ૨,૦૦૦ રૂપિયાની નોટ લેતા નથી. આખરે અમારે તેમની સાથે ઝંઝટ કરવી પડે છે. ત્યાર પછી તેઓ ૨,૦૦૦ રૂપિયાની નોટ લેવા તૈયાર થાય છે. અમારો દૂધવાળો પણ અમારી પાસેથી ૨,૦૦૦ રૂપિયાની નોટ લેતો નથી. તે કહે છે કે તેને પછી બદલવા માટે બૅન્કમાં જવું પડે છે. તેની પાસેથી બીજા લોકો આ નોટ લેતા નથી. આમ આ નોટથી સામાન્ય વ્યવહાર કરવામાં મુસીબતોનો સામનો કરવો પડે છે. અમારી આ હાલત છે તો સામાન્ય લોકોની શું હાલત થતી હશે?

કેટરરનો ઇનકાર

કાંદિવલી (વેસ્ટ)ના વિમેન્સ ચૅરિટેબલ ટ્રસ્ટની કાર્યકર જસ્મિના શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હમણાં જ અમારી સંસ્થા દ્વારા સાત દિવસની ભગવત સપ્તાહ બેસાડવામાં આવી હતી. અમારે કેટરિંગનું બિલ ચૂકવવાનું હતું એટલે અમે તેને ૨,૦૦૦ રૂપિયાની નોટથી પેમેન્ટ ચૂકવ્યું. તો કેટરર કહે કે બહેન, હું અભણ માણસ છું, હું ક્યાં બૅન્કમાં જવાનો અને કઈ રીતે આ નોટ વટાવવાનો; મને ૨,૦૦૦ રૂપિયાની નોટ વટાવવામાં તકલીફ પડશે. અમે તેને બહુ સમજાવ્યો કે ભાઈ, તું ચિંતા ન કર, આ નોટ લઈને બૅન્કમાં જઈશ તો તને બદલી આપશે. તે માણસ એકનો બે ન થયો. આખરે અમારે તેને ૫૦૦ રૂપિયાની નોટો લાવીને પેમેન્ટ ચૂકવવું પડ્યું હતું.’   

કામવાળી બાઈની ચોખ્ખી ના

ચેમ્બુરના એક રેસિડેન્સ કૉમ્પ્લેક્સમાં રહેતાં ચારુ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાઓ માટે તો ૨,૦૦૦ની નોટ બહુ મોટી મુસીબત બની ગઈ છે. અમને ઘરખર્ચ માટે પુરુષોએ આપેલી ૨,૦૦૦ની નોટ વટાવતાં દમ નીકળી જાય છે. દૂધવાળા, છાપાવાળા, શાકવાળા કોઈ જ ૨,૦૦૦ રૂપિયાની નોટ લેતા નથી. અમે છૂટા કરાવવા કોઈ દુકાનમાં જઈએ તો તેઓ પણ છૂટા આપતા નથી. મારું કરિયાણાવાળાનું ૬,૫૭૦ રૂપિયાનું બિલ હતું. મેં તેને ૨,૦૦૦ રૂપિયાની ચાર નોટ આપી તો મને કહે કે આવતા મહિને બીજા સામાન સાથે પૈસા આપશો તો ચાલશે, પણ અમે ૨,૦૦૦ રૂપિયાની નોટ લેવાની બંધ કરી છે. અમને બૅન્કમાં બદલવામાં કે ખાતામાં ભરાવવામાં બહુ જ મુસીબત થાય છે. મારી કામવાળી બાઈને મારે ૨,૪૦૦ રૂપિયા પગાર આપવાનો હતો. તો મને કહે કે હી નોટ આતા બંધ ઝાલી, માલા કાય દેતાત, માલા હી નોટ નકો. રૂટીન જીવનમાં નાની-મોટી ખરીદીમાં હવે ૨,૦૦૦ રૂપિયાની નોટ કોઈ જ લેતું નથી.’

અમારી પાસેથી વેન્ડરો લેતા નથી

ઘાટકોપર (ઈસ્ટ)ની એક ફાસ્ટ-ફૂડ રેસ્ટારાંના મૅનેજરે અમારું ૭૦૦-૮૦૦ રૂપિયાનું બિલ થયું હતું છતાં ૨,૦૦૦ રૂપિયાની નોટ લેવાની ના પાડી હતી એમ જણાવીને કૉલેજિયન રમેશ જાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તેની સાથે દલીલ કરી તો તેણે અમને જવાબ આપ્યો કે મારા કર્મચારીઓ કે સપ્લાયરો મારી પાસેથી ૨,૦૦૦ રૂપિયાની નોટ લેવા તૈયાર નથી. આથી હું તમારી પાસેથી ૨,૦૦૦ રૂપિયાની નોટ લેવા તૈયાર નથી.’

અમારે લાઇનમાં ઊભા રહેવું પડે છે

ગઈ કાલે હું દાદર કપડાંની ખરીદી માટે ગયો હતો એમ જણાવીને ઘાટકોપરના નીતિન પંચાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ૬,૧૩૦ રૂપિયાનાં શર્ટ-પૅન્ટની ખરીદી કરીને દુકાનદારને ૨,૦૦૦ની ત્રણ નોટ અને બાકીના છૂટા રૂપિયા આપ્યા એટલે દુકાનદારે મને કહ્યું કે ભાઈ ૫૦૦ની નોટ હોય તો આપો, ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે અમારે બૅન્કમાં લાઇનમાં ઊભા રહેવું પડશે અથવા તો અમારે ત્યાં આઇડી પ્રૂફ જમા કરાવવું પડશે. અમે ધંધો કરીએ કે નોટો બદલવા લાઇનમાં ઊભા રહીએ. અમારી પાસે એટલો સમય નથી. એટલે અમે ૨,૦૦૦ રૂપિયાની નોટ લેતા નથી.’

અમે કેવી રીતે મૅનેજ કરીએ?

કાંદિવલીના ડ્રાયફ્રૂટ્સ અને જનરલ સ્ટોર્સના વેપારી નીલેશ મારુએ છેલ્લા ૧૨ દિવસથી શરૂ થયેલી મુસીબત વર્ણવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં છ વર્ષમાં અમારી દુકાનમાં અઠવાડિયામાં બે-પાંચ ૨,૦૦૦ રૂપિયાની નોટ આવતી હતી, જ્યારે ૧૯ મે પછી અમારી દુકાનમાં રોજની ૨૦ નોટ ૨,૦૦૦ની આવવા લાગી છે. અમારે ત્યાં નાની ખરીદી કરતો ગ્રાહક પણ ૧૦૦-૨૦૦ રૂપિયા છૂટા લાવતો નથી. તે ૨,૦૦૦ રૂપિયાની નોટ લઈને ઊભો રહી જાય છે. તેને ના પાડો તો તે નારાજ થઈ જાય છે અને હા પાડીએ તો અમારા ગલ્લો ૨,૦૦૦ રૂપિયાની નોટોથી ભરાઈ જાય છે. અમારા સપ્લાયરો જો મોટું પેમેન્ટ હોય તો ૨,૦૦૦ રૂપિયાની નોટ લઈ લે છે, પણ જો નાનું પેમેન્ટ હોય તો ૨,૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી દે છે. આ સંજોગોમાં અમારે અમારા રોજિંદા નાણાકીય વ્યવહારને મૅનેજ કેવી રીતે કરવો એ બહુ મોટો સવાલ છે. અમે તો ગ્રાહકો અને સપ્લાયરો બંને વચ્ચે પિસાઈ રહ્યા છીએ.’

mumbai mumbai news indian rupee demonetisation reserve bank of india rohit parikh